અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ સંકુલમાં દ્વારકા પીઠાધીશ્વર , આદ્ય જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પાવન નિશ્રામાં ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચૈતન્ય શંભુ મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ધર્મસભાને સંબોધતા શંકરાચાર્યજી મહારાજે સનાતન ધર્મના મૂલ્યો, ભારતીય આધ્યાત્મિક પરંપરા અને સંસ્કૃતિના જતન પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને યુવાઓને ભારતીય આધ્યાત્મિક શાસ્ત્રોનો અભ્યાસ કરવા, સદાચારપૂર્ણ જીવન જીવવા અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા અનુરોધ કર્યો હતો , તેમણૂ જણાવ્યું કે, આવા સંસ્કારો દ્વારા જ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું ઉજ્જવળ નિર્માણ શક્ય બને છે.આ પ્રસંગે બાવળા ગામ અને તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ ઉપરાંત વિવિધ જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને શંકરાચાર્યજીના દર્શન અને આશીર્વાદ મેળવ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ વિદ્યોતેજક સભાના પ્રમુખ પ્રફુલભાઈ મહેતા સહિત બ્રહ્મ સમાજના આગેવાનોએ જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનું ફૂલહાર થી બહુમાન કર્યું હતું. આ ધર્મ સભા નો સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે સંપન્ન થયો.