નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા "મહિલા વૃતિકા તાલીમ" અંતર્ગત "ફળ અને શાકભાજી પરિરક્ષણ" વિષય પર તા. ૨૦.૦૭.૨૦૨૬ થી ૨૪.૦૭.૨૦૨૬ દરમિયાન ગાંધીનગર તાલુકાના જલુંદ મુકામે ૫-દિવસીય તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જલુંદ ગામની ૪૨ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ તાલીમ દરમિયાન મહિલાઓને પાક પરિરક્ષણની વિવિધ પદ્ધતિઓ દ્વારા ફળ અને શાકભાજીમાંથી બનતી આશરે ૩૦ થી વધુ વાનગીઓ/બનાવટો જેવી કે વિવિધ અથાણાં, શરબત, સ્ક્વૉશ, જામ, કેચપ, ચટણીઓ તેમજ મુખવાસ બનાવવાની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી.તાલીમ દરમિયાન બાગાયતી પાકોના પરિરક્ષણથી મૂલ્યવર્ધન કરીને સરકારી યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બનવા અંગેનું પ્રોત્સાહક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ફળ અને શાકભાજીમાંથી બનાવેલી વાનગીઓને આખા વર્ષ સુધી ગુણવત્તાયુક્ત રીતે ટકાવી રાખવાની ટેકનીક અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દરેક મહિલા તાલીમાર્થીને તાલીમમાં ભાગ લેતાં દૈનિક રૂ. ૨૫૦/- લેખે સ્ટાયપન્ડ પણ આપવામાં આવ્યું છે.તાલીમના અંતિમ દિવસે યોજાયેલા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં ગામના મહિલા સરપંચશ્રી, જિલ્લા અને તાલુકાના મહિલા ડેલીગેટશ્રીઓ, મદદનીશ બાગાયત નિયામકશ્રી, બાગાયત નિરીક્ષકશ્રી અને બાગાયત મદદનીશશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર તાલીમનું સુચારુ વ્યવસ્થાપન નાયબ બાગાયત નિયામકશ્રી, ગાંધીનગર કચેરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.