વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં જ પૂર્વવત કરાયો૩૪૦૦થી વધુ વીજ કર્મચારીઓની ૯૦૦થી વધુ ટીમોએ ગ્રાઉન્ડ ઝીરો પર રાત-દિવસ કામગીરી કરી
ફીલ્ડમાં કામ કરતા વીજ કર્મચારીઓ અને તમામ કર્મચારીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં કરવાનો મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ નિર્દેશ
·Tuesday, 28 July 2026 at 01:44 pm
અતિવૃષ્ટિ બાદ રાજ્યમાં વીજ પુરવઠો પૂર્વવત કરનાર વીજ કર્મચારીઓને નિષ્ઠાવાન કામગીરીને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
અતિવૃષ્ટિ અને વાવાઝોડાની વિષમ પરિસ્થિતિ વચ્ચે ૧,૧૯૭ ગામોમાં
જરૂર જણાયે વધુ આધુનિક સાધનો અને ઉપકરણો ઉપલબ્ધ કરાવવા પણ મુખ્યમંત્રીશ્રીની સૂચના
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વરસાદ, વાવાઝોડું કે કુદરતી આપત્તિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જવો સ્વાભાવિક છે. પરંતુ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના ઊર્જા ક્ષેત્રને જે નવી દિશા આપી છે, તેના પરિણામે આજે રાજ્ય સરકાર વિષમ પરિસ્થિતિઓમાં પણ ઝડપી પુનઃસ્થાપનની કામગીરી કરવા સક્ષમ બની છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં તાજેતરમાં જ થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા ૧૧૯૭ જેટલા ગામોમાં ગણતરીના કલાકોમાં જ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. ભારે વરસાદથી રાજ્યમાં ૨,૫૭૫ વીજ ફીડરો, ૧,૪૬૪ ક્ષતિગ્રસ્ત વીજપોલ અને આશરે ૫,૦૦૦ જેટલા ટ્રાન્સફોર્મરને અસર પહોંચી હતી. આ તમામ ક્ષતિગ્રસ્ત માળખાને સરખું કરવા માટે ૩,૪૦૦થી વધુ વીજ કર્મચારીઓની ૯૦૦થી વધુ વિશિષ્ટ ટીમોએ ગ્રાઉન્ડ લેવલ પર કટોકટીની સ્થિતિમાં પણ સતત કામગીરી કરી હતી.
તેમણે કહ્યું હતું કે, પહેલાના સમયમાં વીજળી જતી રહે તો અઠવાડિયા કે મહિનાઓ સુધી લાઈટ આવતી નહોતી, પરંતુ આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને તંત્રની સતત દેખરેખને કારણે જનજીવન ઝડપથી થાળે પડ્યું છે. આ ઝડપી અને સરાહનીય કામગીરી બદલ ઊર્જા વિભાગની સમગ્ર ટીમને કેબિનેટ બેઠકમાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ફીલ્ડમાં કામ કરતા વીજ કર્મચારીઓની અવિરત કામગીરીને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ કર્મચારીઓની સેફ્ટી અને સલામતી બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવા ખાસ સૂચના આપી હતી. તેમની કામગીરી દરમિયાન તમામ સેફટી મેઝર્સનું ધ્યાન રાખવા પર તેમણે ભાર મૂક્યો હતો. તમામ કર્મચારીઓને સુરક્ષા માટે જરૂરી તમામ સેફ્ટી ગિયર્સ-સાધનો આપીને જ કામગીરી કરાવવા સૂચના અપાઈ છે.
ઘણીવાર કર્મચારીઓ ઝડપથી કામ પતાવવાની ઉતાવળમાં કે ટેવાઈ ગયેલા હોવાથી સાધનો હોવા છતાં તેનો ઉપયોગ કરતા નથી. આ બાબતને ધ્યાન પર રાખીને, કર્મચારીઓ તમામ સુરક્ષા સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવા જણાવાયું છે. કર્મચારીઓની સલામતી માટે જે પણ સાધનો કે સુવિધાઓ ખૂટતી હોય તે તમામ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આપવા સૂચના અપાઈ છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
