નવસારી જિલ્લામાં તાજેતરમાં થયેલા અનરાધાર અને ભારે વરસાદના પગલે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગણદેવી તાલુકાના સોનવાડી, સાલેજ અને ગડત જેવા પૂર-અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ પણ તેમની સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મુલાકાત દરમિયાન કૃષિ મંત્રીશ્રીએ અસરગ્રસ્ત ગ્રામજનો અને ખેડૂતો વચ્ચે જઈને સંવાદ સાધ્યો હતો. તેમણે રૂબરૂ સ્થળ-નિરીક્ષણ કરીને મકાન, બગીચા/પાક તેમજ પશુધનને થયેલા નુકસાન અંગેની માહિતી મેળવી હતી. આ સાથે જ, સરકાર દ્વારા અપાતી રાહત-સહાય અને સર્વેની કામગીરી અંગે ગ્રામજનો પાસેથી સીધો પ્રતિસાદ મેળવ્યો હતો.

જાહેરાતAdvertisement

જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાણીએ ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા રાહત, બચાવ, પુનઃસ્થાપન અને નુકસાનીના સર્વેની વર્તમાન પ્રગતિ અંગે મંત્રીશ્રીઓને વિગતવાર માહિતગાર કર્યા હતા. મંત્રીશ્રીએ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી સર્વેની કામગીરીનું મૂલ્યાંકન પણ કર્યું હતું.

બેઠક દરમિયાન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, દરેક અસરગ્રસ્ત ગામમાં મકાન, પાક અને પશુધનને થયેલા નુકસાનનો સર્વે સંપૂર્ણ પારદર્શક, સચોટ અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવે. રાજ્ય સરકારના નિયમોનુસાર દરેક અસરગ્રસ્તને મળવાપાત્ર સહાય વિલંબ વિના ઝડપથી મળી રહે તે માટે તંત્ર સંપૂર્ણ કટિબદ્ધતા સાથે કામ કરે.

આ મુલાકાત વેળાએ નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન નાયક, જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ તેમજ ગ્રામજનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.