અસારવામાં શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ની ઉજવણી* દીકરીઓનાં શિક્ષણ અને સ્વરક્ષણ પર ધ્યાન આપવું જરૂરી:- શ્રીમતી દર્શનાબહેન વાઘેલા
નારી વંદન ઉત્સવ’ની ભવ્ય ઉજવણી અંતર્ગત 30 હજાર સેનિટરી પેડનું નિઃશુલ્ક વિતરણ
·Saturday, 8 August 2026 at 01:58 pm

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહિલા સશકતીકરણ સપ્તાહ અંતર્ગત 'નારી વંદન ઉત્સવ 2026' ની અમદાવાદમાં અસારવા સ્થિત ખંડુભાઈ દેસાઈ હોલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ વિશેષ કાર્યક્રમમાં ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ તેમજ ‘મહિલા કલ્યાણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના શહેરી વિકાસ રાજ્ય મંત્રી અને અસારવાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબહેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી દર્શનાબહેન વાઘેલાએ દીકરીઓ અને મહિલાઓને આરોગ્ય, સ્વચ્છતા, શિક્ષણ અને સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે કિશોરાવસ્થા દરમિયાન થતી સ્વાભાવિક પ્રક્રિયાઓ અંગે વિના સંકોચે શિક્ષિકાઓ કે પરિવારના સભ્યો સાથે મુક્તપણે વાતચીત કરવા પ્રેરણા આપી હતી.
પોતાના સંબોધનમાં મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કિશોરીઓએ મોબાઈલના અતિશય ઉપયોગથી દૂર રહીને માત્ર ભણતર અને પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લક્ષ્યભ્રષ્ટ થયા વિના શિક્ષણ, રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને કલેક્ટર, આઈ.પી.એસ. કે રાજકીય નેતૃત્વ જેવા ઉચ્ચ હોદ્દાઓ હાંસલ કરવા હાકલ કરી હતી. આ સાથે જ કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં દીકરીઓની પડખે ઊભા રહેવાની ખાતરી આપતા પોતાના કાર્યાલય ખાતેથી જરૂરી તમામ મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.
મંત્રીશ્રીએ દીકરીઓની આત્મસુરક્ષા અને આત્મવિશ્વાસ વધારવા માટે જુડો અને કરાટે જેવા સ્વરક્ષણ તાલીમ મેળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે મહિલાઓ અને કિશોરીઓમાં સ્વાસ્થ્ય તથા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના ભાગરૂપે અસારવા વિસ્તારની વિવિધ શાળાઓની વિદ્યાર્થિનીઓ તેમજ સ્થાનિક મહિલાઓને 30,000 જેટલા સેનિટરી પેડ્સનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે 'સંકલ્પ - હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન' ની ટીમ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલા સશક્તિકરણ, પોષણ અને આરોગ્ય સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર શ્રીમતી અનસૂયાબહેન પટેલ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી જીગર જસાણી તથા શિક્ષણ વિભાગના અધિકારી શ્રીમતી યામિનીબહેન સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત તમામ અગ્રણીઓએ નારીશક્તિને કાનૂની રીતે સશક્ત બનવા, પોતાના આરોગ્ય પ્રત્યે જાગ્રત રહેવા અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
