ગાંધીનગર જિલ્લામાં ૨૫ ઓગસ્ટથી ખેડૂતો માટે સબસીડાઈઝ ખાતરના પ્રિ-બુકિંગ માટે "FSAS" સિસ્ટમનો પ્રારંભ નવી ડિજિટલ વ્યવસ્થાથી ખેડૂતો મોબાઈલથી ઘરબેઠા ખાતરનું પ્રિ-બુકિંગ કરી શકશે; દુકાનો પર લાઈનોમાંથી મુક્તિ મળશે
ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસીડાઈઝ ખાતર સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર ઉપલબ્ધ થાય તે માટે આધુનિક ટેકનોલોજી આધારિત "Fertilizer Sale Application System (FSAS)" એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.
·Wednesday, 19 August 2026 at 11:50 am
રાજ્યમાં ખેડૂતોને વધુ સરળ અને સુવ્યવસ્થિત સેવા આપવા માટે પ્રથમ તબક્કામાં ૧૨ જિલ્લાઓમાં આ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે, જેમાં ગાંધીનગર જિલ્લામાં આગામી તા. ૨૫/૦૮/૨૦૨૬ થી આ નવીન ડિજિટલ પ્રણાલીનો પ્રારંભ થશે.
FSAS પ્રણાલીથી ખેડૂતો પોતાના મોબાઈલ મારફતે, રિટેલ ખાતર દુકાન કે સહકારી મંડળી ખાતેથી જરૂરી ખાતરનું અગાઉથી બુકિંગ કરી શકશે. અગાઉથી બુકિંગ કરી શકવાની સુવિધા હોવાથી દુકાનો પર અનાવશ્યક લાઈનો અને ભીડમાંથી ખેડૂતોને મુક્તિ મળશે.
ખેડૂતો ઘરબેઠા જ જાણી શકશે કે કયા ડીલર પાસે ખાતરનો કેટલો સ્ટોક ઉપલબ્ધ છે.દરેક વેચાણનો ડિજિટલ રેકોર્ડ રહેશે, જેનાથી વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા વધશે અને બોગસ/નકલી ખરીદદારો સામે રક્ષણ મળશે.
એપ્લિકેશન દ્વારા ખાતરનો જથ્થો બુક કર્યા બાદ ખેડૂતે ૪૮ કલાકની અંદર સંબંધિત દુકાન કે મંડળી પરથી જથ્થો મેળવી લેવાનો રહેશે. જો ૪૮ કલાકમાં ખાતર મેળવવામાં નહીં આવે, તો બુકિંગ આપોઆપ રદ થશે અને ખેડૂતે ફરીથી બુકિંગ કરવું પડશે.
આ નવી ડિજિટલ સિસ્ટમ અંગે જરૂરી માર્ગદર્શન અને સહાયતા ગાંધીનગર જિલ્લાના તમામ ખાતર વિક્રેતાઓ તેમજ સહકારી મંડળીઓ દ્વારા પૂરું પાડવામાં આવશે. વધુ વિગત માટે નજીકની કૃષિ કચેરીનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક(વિ) દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
