લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે ૧૮ ઇંચ જેટલા પડેલા વરસાદના પગલે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ આંબલી, બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં સર્જાયેલ જળભરાવની સમસ્યાનાની ગંભીર નોંધ લઈ આ અંગે કાયમી અને આયોજનબદ્ધ ઉકેલ લાવવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એ.એમ.સી. મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખીને ભલામણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમદાવાદમાં એકસાથે પડેલા ૧૮ ઇંચ જેટલા ભારે વરસાદના કારણે આંબલી–બોપલ–ઘુમા - શેલા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી હતી. વર્ષ ૨૦૨૧માં આ વિસ્તારોનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયો હતો. વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને અગાઉ સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્કનો અભાવને કારણે ભારે વરસાદ દરમિયાન જળભરાવની સમસ્યા સર્જાઈ હતી. આ સંદર્ભમાં શ્રી શાહે આપેલ સીધી સૂચનાના જવાબમાં એએમસી દ્વારા સમગ્ર વિસ્તારમાં હાઇડ્રોલોજિકલ અભ્યાસ કરી ઝોનવાર સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાન અંતર્ગત જ્યાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક ઉપલબ્ધ નથી ત્યાં નવું નેટવર્ક ઊભું કરવા, વોટર લોગિંગ સ્પોટ દૂર કરવા તેમજ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી સ્ટોર્મ વોટર લાઈનો, ઇન્ટર-કનેક્શન અને આઉટફોલ સહિતની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વધતા શહેરીકરણને ધ્યાનમાં રાખીને ગોતા–ગોધાવી કેનાલ તથા સાબરમતી નદી સાથેની નિકાલ વ્યવસ્થા સહિતના લાંબા ગાળાના ઉકેલને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. શ્રી અમિતભાઈ શાહની સૂચના અને ભલામણના પ્રતિસાદમાં એ.એમ.સી. દ્વારા આંબલી, બોપલ, ઘુમા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના જળભરાવની સમસ્યાના કાયમી નિવારણને અગ્રતા આપી કરાયેલ આયોજનબદ્ધ અને સમયબદ્ધ કાર્યવાહી આગામી સમયમાં ભારે વરસાદ દરમિયાન જળભરાવની સમસ્યામાં નાગરિકોને રાહત મળે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.