લોન લઇને રાખેલા રૂ.૧.૨૦ લાખની રકમ પણ આગમાં હોમાઇ હિંમતનગર તાલુકાના કાટવાડ ગામમાં ગુરૂવાર સાવારે કલાકે અચાનક કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના મળી ઘરવખરી પણ બળીને ભસ્મીભુત થઇ જતાં પરિવાર પર આભ તુટી પડયું હોય તેવી પરિસ્થિત સર્જાઇ છે. હિંમતનગરની ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટેના પ્રયાસો જવાબદાર તંત્ર દ્વારા હાથ ધરાયા છે. આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર તાલુકાના કાટવાડ ગામે રહેતા રાવળ બબાભાઇ સનાભાઇ ખેત મજૂરી તથા નગરપાલિકામાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. ગુરૂવારે સવારે ૯ વાગે પોતાનો પરિવાર ખેત મજૂરી કરવા ગયો હતો. ત્યારે અગમ્ય કારણોસર ઘરમાં અચાનક શોર્ટસર્કીટ થવાના કારણે આગ લાગતા ઘરમાં રહેલ બધો સામાન સહિત ઘરવખરી બળીને ભસ્મીભુત થઇ હતી. આગની ઘટનાની જાણ ફાયર બ્રિગેડની કરતા હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પોતાના ઘરમાં બેંકમાંથી લોન લઇને મકાનના પ્લોટ માટે ગ્રામ પંચાયતમાં જમા કરાવવા માટે ઘરમાં રાખેલ રૂપિયા ૧.૨૦ લાખ તથા અન્ય રોકર્ડ, સોના-ચાંદીના દાગીના તેમજ ઘરવખરીનો સામાન બળીને ભસ્મીભુત થતા હાલ તો આ ગરીબ પરિવાર પર આભતુટી પડ્યું છે. ફાયર બ્રિગેડના અધિકારી મયંકભાઇ પટેલે પણ જણાવ્યુ હતુ કે સમયસર સ્થળ ઉપર જઇને આગ પર કાબુ મેળવવામાં આવી હતી.