સુરત નવી સિવિલમાં ૯૬મુ સફળ અંગદાન: ઓડિશાના ૩૬ વર્ષીય મિથુન સ્વૈનના ૨ કિડની, લીવર અને હૃદયના દાનથી ૪ને નવજીવન
·Saturday, 1 August 2026 at 11:20 am
*માહિતી બ્યુરો-સુરતઃશુક્રવાર:* સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૯૬મુ સફળ અંગદાન થયું છે. હતું. કીમના પીપોદ્રા ખાતે સંચા ખાતામાં કામ કરતા ઓડિશાના ૩૬ વર્ષીય યુવાન મિથુન સ્વૈનના ૨ કિડની, લીવર અને હૃદયના દાનથી ૪ને નવજીવન મળશે. આ અંગદાનમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જીવનદાતા બની હતી. કારણ કે દેશમાં સૌપ્રથમવાર હ્રદયને વંદે ભારત ટ્રેન મારફતે ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવાયું હતું.
ઓડિશાના ગંજામ જિલ્લાના કાળાખાડી, સિદ્ધપુરના વતની અને સુરતના કીમ ખાતે રહેતા સંચાનું કામ કરતા ૩૬ વર્ષીય મિથુન લક્ષ્મણભાઇ સ્વૈનના લીવર અને ૨ કિડની અને હૃદયના દાનથી ૪ વ્યક્તિઓને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર તા:૨૮ જુલાઈના રોજ મિથુન રૂમ પર જમીને બેઠા હતાં. જ્યાં અચાનકથી મોઢું વાંકુ થવા લાગ્યું અને ડાબી બાજુના હાથ-પગ કામ કરતા બંધ પડી જતાં સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ગંભીર હાલત હોવાથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલમાં લાવ્યા હતા. જ્યાં ઇમરજન્સી વિભાગમાં પ્રાથમિક સારવાર આપી આઈસીયુ (ICU) માં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
તા.૩૦ જુલાઈના રોજ સાંજે ૦૪:૦૧ વાગ્યે આર.એમ.ઓ. ડૉ કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડૉ. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.પ્રયાગ મકવાણા અને ન્યુરોસર્જન ડૉ.કેયુર પ્રજાપતિએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. ત્યારબાદ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક ઇકબાલ કડીવાલા અને કાઉન્સેલર નિર્મલા કાથુડેએ મિથુનભાઈના પત્ની અને ભાઇ સહિત પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. સ્વજન થકી અન્યોને નવજીવન મળવાના સત્કાર્યની ભાવના સાથે તેમજ ગામના લોકોને અંગદાન માટે પ્રોત્સાહન મળે તે હેતુથી પરિવારે ભારે હૈયે સહમતિ આપી હતી.
વહેલી સવારે ૫.૦૦ વાગ્યે પ્રાર્થના સભામાં તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા, મેડિકલ ઓફિસર ડો.સોલંકી, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર, તબીબો અને સ્ટાફગણ જોડાયા હતા અને સદ્દગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
બ્રેઈનડેડ મિથુનભાઈના લીવર અને બન્ને કિડની IKDRC હોસ્પિટલ અને સુરત રેલ્વે સ્ટેશનથી હૃદય વંદે ભારત ટ્રેન મારફતે યુ.એન મેહતા હોસ્પિટલ-અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. વંદે ભારત મારફતે અઢી કલાકમાં હ્રદય અમદાવાદ પહોંચાડવામાં આવ્યું હતું. અંગદાન મહાદાન અભિયાનને જેમણે પ્રેરક જનજાગૃત્તિ અભિયાન બનાવ્યું છે તેવા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપદાદા દેશમુખનો પણ આ સેવાકાર્યમાં સહયોગ મળ્યો હતો. નવી સિવિલના ઈ.તબીબી અધિક્ષક ડૉ.પારૂલ વડગામાના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સામાજિક કાર્યકરો, સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
