ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત સ્થિત પી.પી. માણિયા હોસ્પિટલની મુલાકાત લઈ અંગદાતા સ્વ. શ્રી મનુભાઈ લાલજીભાઈ ડોબરીયાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમણે ડોબરીયા પરિવાર દ્વારા અંગદાન માટે લેવામાં આવેલા સંવેદનશીલ, માનવતાભર્યા અને પ્રેરણાદાયી નિર્ણયને હૃદયપૂર્વક બિરદાવ્યો હતો.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “અંગદાન એ માનવતાનું એવું મહાદાન છે, જે એક વ્યક્તિના વિદાય બાદ પણ અનેક લોકોને નવજીવન આપી શકે છે. અંગદાતાના આ મહાન નિર્ણયથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનોના જીવનમાં આશાનો નવો પ્રકાશ પ્રગટે છે.”

જાહેરાતAdvertisement

તેમણે ડોબરીયા પરિવારની સેવાભાવી ભાવનાને નમન કરતાં જણાવ્યું હતું કે, દુઃખની આ ઘડીમાં પણ અન્ય લોકોના જીવનને બચાવવાનો નિર્ણય લેવો એ સમાજ માટે એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ છે. આવા માનવતાલક્ષી કાર્યો સમાજમાં અંગદાન પ્રત્યે સકારાત્મક વિચારધારા અને જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અંગદાન અંગે પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને સંકોચ દૂર કરવા માટે વ્યાપક જનજાગૃતિ અત્યંત જરૂરી છે. વધુને વધુ લોકો અંગદાનના આ પવિત્ર સંકલ્પ સાથે જોડાય અને જીવનરક્ષક આ મહાદાન માટે આગળ આવે, તે માટે સમાજના દરેક વર્ગે સહભાગી બનવું જોઈએ.

આ પ્રસંગે પી.પી. માણિયા હોસ્પિટલના તબીબો, આરોગ્યકર્મીઓ, અંગદાન ક્ષેત્રે કાર્યરત સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ તથા ડોબરીયા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.