અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ સેન્ટ્રલ ઝોનના વિવિધ વિકાસકાર્યોની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી
અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આજે સેન્ટ્રલ ઝોનમાં ચાલી રહેલા વિવિધ મહત્ત્વના વિકાસકાર્યોની સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ સંબંધિત અધિકારીઓ સાથે આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
·Tuesday, 4 August 2026 at 09:35 am
મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સૌપ્રથમ કાલુપુર સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લીધી હતી. આ દરમિયાન રેલવે વિભાગ તથા અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ, વિવિધ વિકાસકાર્યોની પ્રગતિ તેમજ આગામી તબક્કાના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે મુસાફરો અને નાગરિકોને વધુ સુવિધાસભર, સુવ્યવસ્થિત અને આધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં કામગીરી ઝડપી અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.
ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ વસંત ચોક ખાતે ચાલી રહેલી હેરિટેજ રિડેવલપમેન્ટ અને રેટ્રોફિટિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. હેરિટેજ વિસ્તારના ઐતિહાસિક વારસાને જાળવી રાખીને આધુનિક સુવિધાઓ સાથે વિકાસકાર્યો હાથ ધરવામાં આવે તે માટે તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત કમિશનરશ્રીએ દાણાપીઠ મલ્ટીલેવલ કાર પાર્કિંગની મુલાકાત લઈ ત્યાંની પાર્કિંગ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે આ પાર્કિંગને અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સાથે પેડેસ્ટ્રિયન વોકવે દ્વારા જોડવા તેમજ પાર્કિંગ વ્યવસ્થાને વધુ સુદૃઢ, સુવ્યવસ્થિત અને નાગરિકમૈત્રી બનાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
અમદાવાદ મહાનગરપાલિકા શહેરના સર્વાંગી અને સુઆયોજિત વિકાસ માટે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા હેરિટેજ સંવર્ધનના પ્રોજેક્ટોને પ્રાથમિકતા આપી રહી છે. આ મુલાકાત દરમિયાન આપવામાં આવેલા માર્ગદર્શનના આધારે સંબંધિત વિકાસકાર્યોને વધુ અસરકારક રીતે આગળ વધારવામાં આવશે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
