અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સોસાયટીની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, પીજીમાં રહેતી એક યુવતી રાત્રિના સમયે સોસાયટીના ધાબા પર ચાલવા માટે ગઈ હતી. આ દરમિયાન સોસાયટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે ધાબા પર પહોંચીને દરવાજો બંધ કરી દીધો હતો. ફરિયાદ મુજબ, આરોપીએ યુવતીને કાબૂમાં લઈ તેની સાથે કથિત રીતે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ યુવતીએ મદદ માટે બૂમાબૂમ કરતાં સ્થાનિક રહેવાસીઓએ દરવાજો ખોલી તેમને નીચે લાવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ, LCB અને ક્રાઈમ બ્રાન્ચ સહિત 10થી વધુ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસની ટીમોએ સોસાયટી અને આસપાસના વિસ્તાર ના , CCTV ફૂટેજ અને આરોપીના સંભવિત રૂટની તપાસ કરી અને ટેકનિકલ તથા અન્ય પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ તપાસના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી મૂળ હરદોઈનો રહેવાસી હોવાનું અને છેલ્લા કેટલાક વર્ષોથી અલગ-અલગ જગ્યાએ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ખાસ વાત એ છે કે આરોપી આ સોસાયટીમાં થોડા દિવસ પહેલાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે જોડાયો હતો. હવે સમગ્ર ઘટનામાં સિક્યુરિટી ગાર્ડને નોકરી પર રાખતા પહેલાં તેનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું કે નહીં, સિક્યુરિટી એજન્સીએ જરૂરી નિયમોનું પાલન કર્યું હતું કે નહીં અને સોસાયટી દ્વારા કયા દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા, તેની પણ તપાસ ચાલી રહી છે. પોલીસે સિક્યુરિટી એજન્સી અને સોસાયટીના જવાબદાર લોકોની પણ પૂછપરછ શરૂ કરી છે અને નિયમભંગ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. હાલ આરોપીની પૂછપરછ, મેડિકલ તપાસ અને અન્ય કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે જોકે, સમગ્ર ઘટનામાં કથિત દુષ્કર્મ અંગેના અંતિમ તથ્યો પોલીસ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે