રેગિંગની સેંકડો ફરિયાદ હોવા છતાં વિધાર્થીઓનું રેગિંગ અટકાવવામાં શૈક્ષણિક સંસ્થાઓ નિષ્ફળ છે. ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૨ થી ૨૦૨૨ દરમિયાન યુજીસીની વેબસાઇટ મુજબ ૧૦૫ રેગિંગની ફરિયાદ થઈ હતી. જ્યારે વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૬ સુધીમાં ફરિયાદ દોઢ ગણી કરતા વધારે થઈ ગઈ છે. યુજીસી ની વેબસાઇટ મુજબ છેલ્લા ૪ વર્ષમાં ૮૬ ફરિયાદ થઈ છે. પાટણ ની ધારપુર કોલેજના વિદ્યાર્થીનો રેગિંગના પાપે જીવ ગુમાવવો પડ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં ૨૩ રેગિંગની ફરિયાદ ગુજરાતની મેડિકલ કોલેજમાં નોંધાઈ છે. ગુજરાતની કુલ રેગિંગની ફરિયાદ પૈકી ૨૬% થી વધુ ફરિયાદ માત્ર મેડિકલ કોલેજમાં મળી આવી છે. છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર દેશમાં ૫૧૧૩ રેગિંગની ફરિયાદ નોંધાઇ છે. સ્ટેટ ઓફ રેગિંગ ઇન ઇન્ડિયા ૨૦૨૨- ૨૦૨૪ રિપોર્ટમાં ચોંકાવનારો મૃત્યુ આંક સામે આવ્યો છે. રેગિંગ સંબંધિત કિસ્સાઓમાં દેશમાં ૫૧ વિધાર્થીઓના મોત થયા છે, તે પૈકી ૨૩ મૃત્યુ મેડિકલ કોલેજના વિધાર્થીઓના હતા. વર્ષ ૨૦૨૨-૨૦૨૪માં કુલ રેગિંગ સંબંધિત મૃત્યુના ૪૫.૧% મેડિકલ કોલેજના વિધાર્થીઓના હોય છે. રિપોર્ટ મુજબ ત્રણ વર્ષમાં દેશની ૧૯૪૬ કોલેજમાં ૩૧૫૬ રેગિંગની ફરિયાદ નોંધાઈ છે. દેશની મેડિકલ કોલેજો રેગિંગની ઘટનાઓ માટે હોટસ્પોટ બની ગઈ છે. દેશની રેગિંગની કુલ ઘટનાઓની ફરિયાદમાંથી ૩૮.૬% ફરિયાદ મેડિકલ કોલેજના વિધાર્થીઓની હોય છે. ભારતના કુલ વિધાર્થીઓમાંથી મેડિકલ ક્ષેત્રના વિધાર્થીઓની સંખ્યા ૧.૧% છે. વર્ષ ૨૦૨૬માં બી.જે મેડિકલ કોલેજમાં ૨ રેગિંગના કેસ, ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર માં ૧ કેસ, જીએમઈઆરએસ હિંમતનગર, ગાંધીનગરમાં એક-એક કેસ , ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર, ડેન્ટલ કોલેજ વિસનગરમાં એક-એક ફરિયાદના કેસ બન્યા છે. જો તે ફરિયાદને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી કરી હોત તો કદાચ તે સુરતના દિકરાનો જીવ બચી ગયો હોત. રેગિંગ રોકવા માટે મજબૂત ઇચ્છાશક્તિ જોડે ઉદાહરણ રૂપી પગલાં લેવાય, ૨૪ કલાકમાં એફઆઈઆર થાય, જુનિયર વિધાર્થીઓ માટે અલગ હોસ્ટેલ, નનામી ફરિયાદ સ્વીકારાય અને એન્ટી રેગિંગ કમિટી દ્વારા કડક કાર્યવાહી થાય તો રેગિંગને રોકી શકાય છે.