‘ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પાવન અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે તા. 15 ઓગસ્ટ, 2026ના રોજ ખોખરા ખાતે મહારાણા પ્રતાપ ચોક, ભાલકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મેયરશ્રી હિતેશભાઈ બારોટે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. ધ્વજવંદન બાદ મેયરશ્રી હિતેશભાઈ બારોટે આઝાદીના અમૃતકાળના ગૌરવપૂર્ણ 80મા સ્વાતંત્ર્ય દિવસની સૌ શહેરીજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવતા દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ વીરોને વંદન કરતા સંબોધનની શરૂઆત કરી હતી. વધુમાં મેયરશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત આજે વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે અને ‘વિકસિત ભારત @2047ના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. યુવા શક્તિ દેશના વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે, ત્યારે યુવાનોને શિક્ષણ, કૌશલ્ય, સંસ્કાર અને નવી તકો સાથે જોડવા જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ તથા સહકારમંત્રીશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. અમદાવાદ પણ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ, રમતગમત અને જનસુવિધાઓના ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ-2026 અંગે મેયરશ્રીએ જણાવ્યું હતું કે, ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતીય ખેલાડીઓએ કુલ 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત ગુજરાતના રમતવીરો અને અમદાવાદના ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે વધુ પ્રોત્સાહન મળે તે માટે શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદને સ્પોર્ટ્સ સિટી તરીકે નવી ઓળખ અપાવી રહ્યાં છે. ગુજરાતની યજમાનીમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ-2030 માટે અમદાવાદ સ્પોર્ટ્સ સિટી તરીકે વધુ મજબૂત બની રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા વિવિધ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ‘એક પેડ મા કે નામ’ અને ‘મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ’ જેવા અભિયાનો અંતર્ગત વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મેયરશ્રીએ શહેરીજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી છે. ભીના અને સૂકા કચરાનું યોગ્ય વર્ગીકરણ કરી તેનો યોગ્ય નિકાલ કરવા તેમજ અમદાવાદને સ્વચ્છ અને સુંદર બનાવવા સૌએ સહયોગ આપવો જોઈએ. તેમણે અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, ફાયર જવાનો અને પોલીસ જવાનોની કામગીરીને બિરદાવી શહેરની સ્વચ્છતા, સુરક્ષા અને સલામતી માટે તેમના યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં તેમણે ‘જનસેવા એ જ પ્રભુ સેવા’ના સંકલ્પ સાથે અમદાવાદ મહાનગરપાલિકા સતત જનહિતના કાર્યો માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવી વિકાસની યાત્રામાં સૌ શહેરીજનોનો સહયોગ મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે આઝાદીની લડતમાં ભાગ લેનાર સ્વાતંત્ર્ય સેનાનીશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની, સાંસદશ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યશ્રી અમૂલભાઈ ભટ્ટ, ડે. મેયરશ્રી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર, દંડકશ્રી અતુલભાઈ મિશ્રા, વિવિધ કમિટીઓના ચેરમેનશ્રીઓ અને ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ફાયર વિભાગના જવાનો, પોલીસ જવાનો તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના વિવિધ ગીતો પર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓની દેશભક્તિથી સભર રજૂઆતોને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી. આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સફાઈ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનના પાવન અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું.