દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લાના પ્રભારી અને રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને માંડલ ખાતે કરવામાં આવી હતી. માંડલ જિનિંગ મિલ કમ્પાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઊર્જામંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા અને જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે વીરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જામંત્રીએ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માને રાજ્ય સરકાર તરફથી ₹૨૫ લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તૈયાર કરાયેલા નશામુક્તિ અંગેના માર્ગદર્શક પુસ્તકનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આઝાદીના ૮૦મા પાવન પર્વે જિલ્લા પ્રભારી અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા અમર શહીદોને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમદાવાદની ઐતિહાસિક ભૂમિને સ્મરીને તેમણે જણાવ્યું કે સાબરમતી આશ્રમ, પૂજ્ય બાપુની ઐતિહાસિક દાંડી કૂચ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આ કર્મભૂમિ છે. ભારતનું પ્રથમ 'વર્લ્ડ હેરિટેજ સિટી' અમદાવાદ આજે વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, રમતગમત અને ટેક્નોલોજીનું વૈશ્વિક કેન્દ્ર બની ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્થિર માર્ગદર્શન હેઠળ ગુજરાતે સંવેધાનિક મૂલ્યોને આત્મસાત કરીને સર્વસમાવેશક અને ટકાઉ વિકાસ સાધ્યો છે. વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારતે મેળવેલા સ્થાનમાં ગુજરાત અને અમદાવાદનો ફાળો મહામૂલો છે તેમ તેમણે ઉમેર્યું હતું. શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી ક્ષેત્રે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-૨, બુલેટ ટ્રેન, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે અને ઓવરબ્રિજ-અંડરપાસ પ્રોજેક્ટ્સથી મુસાફરી સુગમ બની છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્લમ રિડેવલપમેન્ટ યોજના હેઠળ હજારો જરૂરિયાતમંદ પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું. સાબરમતી નદી પર વિશ્વસ્તરીય રિવરફ્રન્ટ પર્યાવરણીય સમતુલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યો છે એમ જણાવીને તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૨, વસ્ત્રાપુરનું નરસિંહ મહેતા તળાવ તથા સરખેજના શ્રીક્ષેત્ર તળાવના નવીનીકરણનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને નવા તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા આધુનિક કનેક્ટિવિટી અને વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અમદાવાદ 'સ્પોર્ટ્સ કેપિટલ' બની રહ્યું હોવાનું જણાવ્યું હતું. વર્ષ-૨૦૨૯ની પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અને વર્ષ-૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત સજ્જ હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું સુદૃઢીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે ‘નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ’ સહિતની યોજનાઓ અંતર્ગત દીકરીઓને અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાની સહાય તેમના અભ્યાસ માટે ચૂકવાઈ હોવાની માહિતી તેમણે આપી હતી. આ ઉપરાંત, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત ગ્રાન્ટેડ શાળાઓને ICT કોમ્પ્યુટર લેબ અને IIM, CEPT, i-Hub અને i-Create જેવી સંસ્થાઓ આ શહેરને 'નોલેજ હબ' તરીકે નવી ઊંચાઈઓ બક્ષે છે તેમ તેમણે ઉમેર્યું હતું. ઔદ્યોગિક ક્રાંતિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે ધોલેરા SIR ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ આયોજનબદ્ધ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ શહેર અને આગામી ૫૦ વર્ષના ભારતને આકાર આપતું 'ફ્યુચર સિટી' બની રહ્યું છે. જ્યાં રિન્યૂએબલ એનર્જી, સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ, સોલાર પાર્ક અને ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણથી હજારો નવી રોજગારી સર્જાશે. સાણંદ ખાતે માઇક્રોન, સીજી સેમી અને કેઇન્સ જેવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ કાર્યરત થયા છે, જ્યારે માંડલ-વિઠલાપુર અને હાંસલપુર ક્લસ્ટર હોન્ડા અને સુઝુકી જેવી વૈશ્વિક કંપનીઓ સાથે વિશ્વનું ઓટોમોબાઇલ ઇકોસિસ્ટમ બન્યું છે. વડાપ્રધાનશ્રીના વિઝનથી ગુજરાત આજે ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ અને ટેક્નોલોજી હબ બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. પર્યાવરણ અને વિરાસતના જતન અંગે તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝન સાથે લોથલ ખાતે પ્રાચીન દરિયાઈ વેપારની પરંપરાને ઉજાગર કરતું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને પર્યાવરણ સંરક્ષણનું ગૌરવ સમાન નળ સરોવર પક્ષી અભયારણ્ય આપણી અમૂલ્ય ધરોહર છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી અને 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ AMC દ્વારા ભાડજ ખાતે ૧ કલાકમાં ૩.૬૧ લાખ વૃક્ષો વાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ઉપરાંત, સાણંદ, બાવળા, ઘાટલોડિયા સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં ૬.૮૫ લાખથી વધુ વૃક્ષો, વન વિભાગ દ્વારા લાખો રોપા અને ધોલેરામાં ૬૦૦ હેક્ટરમાં ૧૮ હજારથી વધુ મેન્ગ્રૂવ વૃક્ષોનું વાવેતર કરાયું છે. જિલ્લામાં વન કવચ મજબૂત કરવા માટે ૧૦૦થી વધુ ઓક્સિજન પાર્ક તૈયાર કરાયા છે. ઔદ્યોગિક વિકાસની સાથે પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ જ આપણી સાચી ઓળખ છે તેમ તેમણે કહ્યું હતું. ગ્રામીણ ઉત્કર્ષ અને સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતાં મંત્રીશ્રીએ વીબીજી-રામજી યોજના હેઠળ રોજગારી, મહિલા સ્વસહાય જૂથોને ધિરાણ અને તમામ ગામોએ 'ODF Plus' દરજ્જો મેળવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. નાગરિક સુરક્ષા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ઔદ્યોગિક વિસ્તારો માટે 'SEMICON SHIELD', સ્માર્ટ પોલીસ સ્ટેશન્સ, માર્ગ સલામતી માટે 'Centre of Excellence for Road safety and Traffic Management' જેવી નવીન પહેલ કરાઈ છે. તાજેતરની ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ રાજ્ય સરકારની કટિબદ્ધતા દર્શાવી હતી કે તંત્ર દ્વારા ૪૪૦૦થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળાંતર અને ૩૨૦૦થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. સરવે માટે ૯૮ ટીમો બનાવીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો રૂપિયાની કેશડોલ, ઘરવખરી તથા મકાન નુકસાની સહાય ચૂકવાઈ છે. દરેક અસરગ્રસ્ત નાગરિક સુધી સહાય પહોંચાડવા તંત્ર પ્રતિબદ્ધ છે. જરૂરિયાતના સમયે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર જિલ્લાના દરેક નાગરિકની પડખે રહેશે એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સંકલ્પ સાથે શહેર અને ગામડાઓને સ્વચ્છ અને હરિયાળા રાખવા, નાગરિક ફરજોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા અને દેશ-રાજ્યના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી તથા પોલીસ વિભાગ દ્વારા વિવિધ નિદર્શન અને કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ કર્મચારી/અધિકારી/રમતવીરો તથા સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં તાજેતરમાં સર્જાયેલી અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં જિલ્લાના તાલુકાઓમાં રાહત, બચાવ સહિતની કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા. સૌ ઉપસ્થિતોએ સમૂહ રાષ્ટ્રગાન દ્વારા વાતાવરણને જીવંત બનાવી દીધું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, અધિક કલેક્ટર ઉમંગ પટેલ, વિરમગામ પ્રાંત અધિકારી વીરેન્દ્ર દેસાઈ, જિલ્લા-તાલુકા પંચાયતના આગેવાનો, પૂર્વ ધારાસભ્ય, અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.