દિવ્યાંગજનો તથા મનો-દિવ્યાંગજનો માટે ગતિશીલતા, સ્વાવલંબન અને સુરક્ષિત પરિવહનને પ્રોત્સાહન આપતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલના રજીસ્ટ્રેશન તથા જરૂરી ફેરફારને મંજૂરી આપવા અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોને વધુ સલામત, સુગમ અને સન્માનપૂર્ણ ગતિશીલતા (Mobility) ઉપલબ્ધ કરાવવાનો જણાવાયો છે. આ અંગે રાજ્યની તમામ આરટીઓ/એઆરટીઓ કચેરીઓએ કેન્દ્ર સરકારની આ માર્ગદર્શિકા પાલન કરવાનું રહેશે. પરિપત્ર મુજબ શારીરિક દિવ્યાંગજનો માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શક ધોરણો અને સૂચનાઓને અનુસરીને સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલના રજીસ્ટ્રેશન/ફેરફારને મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણય દિવ્યાંગજનોના દૈનિક જીવનમાં આવતી ગતિશીલતાની મુશ્કેલીઓ ઘટાડવા તેમજ તેમને વધુ આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ ઉપરાંત દિવ્યાંગજનોને સમાજમાં વધુ સમાન તકો અને શક્ય તેટલી શ્રેષ્ઠ ગતિશીલતા મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ પોતાના દૈનિક જીવનની જરૂરિયાતો વધુ સરળતાથી પૂર્ણ કરી શકે; તેવો અનુકૂળ માર્ગ ઊભો થાય છે. *મનો-દિવ્યાંગજનો માટે પણ સ્પષ્ટ જોગવાઈ* આ નિર્ણયની વિશેષ બાબત એ છે કે, મનો-દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ સાઇડકાર જોડાયેલી મોટર સાઇકલના રજીસ્ટ્રેશન/ફેરફાર અંગે સ્પષ્ટ શરતો નક્કી કરવામાં આવી છે. માલિકી, વાલીપણા, વાહનચાલક, સલામતી, ઝડપ મર્યાદા અને અન્ય કાયદાકીય બાબતોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે. મનો-દિવ્યાંગ વ્યક્તિ માટે વાહનનું સંચાલન કાયદેસરના વાલી અથવા તેમની જાણ અને સંમતિથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવાનું રહેશે અને વાહનચાલક પાસે સંબંધિત વર્ગનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી રહેશે સરકારની જોગવાઈઓમાં સલામતી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વાહનની ગતિ કોઈ પણ સંજોગોમાં 40 કિ.મી./કલાકથી વધુ ન હોવી જોઈએ. વાહનચાલક તથા મનો-દિવ્યાંગ મુસાફર માટે હેલ્મેટ ફરજિયાત રાખવામાં આવ્યું છે અને સાઇડકારમાં યોગ્ય સીટ બેલ્ટ અથવા અન્ય સલામતી પ્રતિબંધક વ્યવસ્થા હોવી જરૂરી છે. વાહનના રજીસ્ટ્રેશન/ફેરફારની મંજૂરી પહેલાં મોડિફાઇડ વાહનનું ભૌતિક નિરીક્ષણ કરવામાં આવશે. સાઇડકાર જોડવાથી અથવા વાહનમાં કરાયેલા ફેરફારથી વાહનચાલક, દિવ્યાંગ વ્યક્તિ કે અન્ય માર્ગ વપરાશકર્તા માટે સલામતીનું જોખમ ઊભું ન થાય તેની ખાતરી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. વાહન માટે માન્ય Comprehensive Insurance Policy, જેમાં ઓછામાં ઓછું Third Party Risk Cover સામેલ હોય, તે પણ જરૂરી રહેશે. સાથે જ Motor Vehicles Act, 1988 તથા સંબંધિત માર્ગદર્શિકા અને સૂચનાઓનું પાલન કરવાનું રહેશે