વર્ષ-2030ના કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે ગુજરાતમાં તૈયારીઓને મળશે વધુ વેગ
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ રમતગમત ક્ષેત્રના બજેટમાં કરાયો છે નોંધપાત્ર વધારો
·Wednesday, 5 August 2026 at 04:14 am
અમદાવાદ: વિદેશ પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં રમતગમત અને યુવા વિકાસને નવી દિશા મળી છે. 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' દ્વારા ફિટનેસને જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જ્યારે યુવાનોને નશાની કુટેવોથી દૂર રાખવા માટે ચલાવવામાં આવેલા નશામુક્ત ભારત અભિયાનથી સ્વસ્થ, સજાગ અને સશક્ત યુવા શક્તિના નિર્માણને નવી ગતિ મળી છે.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ રમતગમત ક્ષેત્રના બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે દેશમાં રમતગમતનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું છે તેમજ ખેલાડીઓને વિશ્વસ્તરીય તાલીમ, સુવિધાઓ અને પ્રોત્સાહન ઉપલબ્ધ બન્યાં છે. પરિણામે ભારતીય ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી દેશનું ગૌરવ વધારી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્ષ-2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સના આયોજનના અનુસંધાને ગુજરાતમાં વિવિધ સ્તરે જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિશ્વસ્તરીય રમતગમતનું માળખું વધુ મજબૂત બને અને રાજ્ય આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓના સફળ આયોજન માટે સજ્જ બને તે માટે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે કાર્ય કરી રહી છે.
શ્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રે ભારત અને ગુજરાતના યુવા ખેલાડીઓને વધુ સારી તકો, આધુનિક સુવિધાઓ અને પ્રોત્સાહન મળી રહે તે માટે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર સંકલિત પ્રયાસો કરી રહી છે. રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશ અને ગુજરાતનું ગૌરવ વધારે તે માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
