અમદાવાદ ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત @2047' પર કોન્ફરન્સ યોજાઈ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય ડૉ. મનમોહન વૈદ્યની પ્રેરક ઉપસ્થિતિ
·Wednesday, 22 July 2026 at 01:03 pm
ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ તથા યંગ ઈન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજન
વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવામાં યુવાનોની ભૂમિકા સર્વોપરિ: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
ભારતનો વિચાર આધ્યાત્મિકતા અને સમૃદ્ધિના પાયા પર ઘડાયેલો છે: ડૉ. મનમોહન વૈદ્ય
અમદાવાદ ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ લેખક, વિચારક અને શિક્ષણવિદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય ડૉ. મનમોહન વૈદ્ય વિશેષ ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત @2047' વિષય પર કોન્ફરન્સ યોજાઈ હતી.
ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદ તથા યંગ ઈન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે 'વિકસિત ભારત @ 2047: યુથ, ઇનોવેશન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ' વિષય પર આ એક દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ શિક્ષણ, યુવા શક્તિ અને રાષ્ટ્ર નિર્માણના વિવિધ પાસાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે ગૌરવપૂર્વક શ્રી ડૉ.મનમોહન વૈદ્યજી સાથેના પોતાના ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા.
તેમણે ગુજરાત કૉલેજ પરિસરનું ઐતિહાસિક મહત્ત્વ દર્શાવતા કહ્યું કે આ કેમ્પસ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ વીર વિનોદ કિનારીવાલા, ડૉ. વિક્રમ સારાભાઈ અને કવિ ઉમાશંકર જોષી જેવા મહાનુભાવોની કાર્યભૂમિ પણ રહ્યું છે. અહીંથી અનેક મહાન વિભૂતિઓ ઘડાઈને સમાજ સેવા માટે સમર્પિત થઈ છે.
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ 2047માં જ્યારે ભારત આઝાદીનાં 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે એક 'વિકસિત ભારત'નું નિર્માણ થાય તેવી કલ્પના વડાપ્રધાનશ્રીએ કરી છે. 'વિકસિત' એ માત્ર એક શબ્દ નથી, પરંતુ દેશનો આત્મવિશ્વાસ છે. આ સંકલ્પનો મુખ્ય હેતુ આર્થિક, સામાજિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં ભારતને વિશ્વમાં અગ્રણી સ્થાન અપાવવાનો છે તેથી આ સંકલ્પને સાકાર કરવા માટે આપણી સૌની સક્રીય ભાગીદારી જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેમણે યુવા શક્તિના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે ભારત વિશ્વમાં સૌથી વધુ યુવા વસતી ધરાવતો શક્તિશાળી દેશ છે. નવા રાષ્ટ્રના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. યુવાનોને પ્રેરણા આપતા તેમણે ઉમેર્યું કે, જીવનમાં ‘સફળ થવું અને સાર્થક થવું’ વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે.
સ્ટાર્ટ-અપ કલ્ચર વિશે વાત કરતાં તેમણે કહ્યું કે સ્ટાર્ટ-અપ એ માત્ર એક વ્યવસાય નથી પણ જટિલ સમસ્યાઓનો ઉકેલ છે. તે ભારતને વૈશ્વિક ઈનોવેશન હબ બનાવવામાં મોટું યોગદાન આપી રહ્યું છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ડિજિટલ ઈન્ડિયા, મેક ઇન ઈન્ડિયા અને સ્ટાર્ટ-અપ ઈન્ડિયા જેવા માધ્યમોથી યુવાનોની પ્રતિભાને યોગ્ય મંચ પૂરો પાડવા માટે સતત કાર્યરત છે.
મંત્રીશ્રીએ પર્યાવરણ અને વિકાસના સંતુલન પર ભાર મૂકતા જણાવ્યું કે, 'પ્રગતિ સાથે પ્રકૃતિ' અને 'ઇકોનોમી સાથે ઇકોલોજી'ને ધ્યાનમાં રાખીને આગળ વધીશું, તો જ સાચા અર્થમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે.
આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય ડૉ. મનમોહન વૈદ્યએ પોતાના ઉદબોધનમાં ભારતના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરતા દેશના ઉદ્યોગ, ખેતી અને આધ્યાત્મિક વારસા અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા.
ડૉ. વૈદ્યએ જણાવ્યું કે ભારતનો મૂળ વિચાર આધ્યાત્મિકતા પર આધારિત છે. પ્રાચીનકાળથી જ સોમનાથ મંદિર જેવા સ્થાનકો માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સમાજની સમૃદ્ધિના મુખ્ય કેન્દ્રો હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત એક કૃષિપ્રધાન દેશ રહ્યો છે અને આપણી સંસ્કૃતિની એ વિશેષતા રહી છે કે ભારતે અનાજને ક્યારેય માત્ર વેચવાની વસ્તુ નથી ગણી, પરંતુ ભૂખ્યાને અનાજ ખવડાવીને સેવાભાવ દર્શાવ્યો છે.
વધુમાં તેમણે ભારતના સમૃદ્ધ ઔદ્યોગિક વારસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પ્રાચીન સમયથી જ દેશમાં સ્ટીલ, તાંબુ, કાંસા જેવી વિવિધ ધાતુઓનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતું આવ્યું છે. આ ઉપરાંત અત્તર (પરફ્યુમ) અને કાપડ ઉદ્યોગમાં પણ ભારતે વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવી હતી.
દેશના એકીકરણ અને નિર્માણમાં મહાન નેતાઓના પ્રદાનને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે આઝાદી પછી દેશના વિલીનીકરણના જટિલ કોયડાને સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની દ્રઢ ઈચ્છાશક્તિથી સફળતાપૂર્વક ઉકેલ્યો હતો. આ ઉપરાંત મહાત્મા ગાંધી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને કે.એમ. મુનશી જેવા વિભૂતિઓએ પણ દેશના પુનઃનિર્માણ અને સંસ્કૃતિના જતન માટે અભૂતપૂર્વ કાર્ય કર્યું છે તેવું તેમણે ઉમેર્યું હતું.
તેમણે શિક્ષણ અને વિદ્યાના મહત્વ પર પ્રકાશ પાડતા વિદ્યાના 11 શ્લોકો વિશે ઉપસ્થિત શ્રોતાઓને વિસ્તૃત સમજ આપી હતી અને દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડાઈ રહેવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે દેશના વિવિધ રાજ્યોના સંશોધકોના પ્રતિનિધિત્વ અને યોગદાનથી તૈયાર થયેલા કુલ 28 પ્રકરણો ધરાવતા વિશેષ સંપાદિત ગ્રંથ 'વિકસિત ભારત @ 2047 : યુથ, ઇનોવેશન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ'નું વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં 'વિકસિત ભારત, વિશ્વગુરુ ભારત' વિષય પર સુંદર નાટક યોજાયું હતું.
આ પ્રસંગે અમ્યુકોના મેયર હિતેશભાઈ બારોટ, રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ડૉ.જગદીશ જોશી, ગાંધીનગર મ્યુનિસપિલ કોર્પોરેશનના દંડક શ્રીમતી સેજલબેન પરમાર, ગુજરાત આર્ટ્સ & સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પંકજ સોલંકી, યંગ ઈન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર ડૉ. આશિષ પાટીવાલા અને સુશ્રી શીતલ કોશિયા તથા વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
