ડિજિટલ ઈન્ડિયા અને ઈઝ ઑફ લિવિંગના વિઝનને સાકાર કરવા AMCની નાગરિક સુવિધાઓમાં વધુ એક ઉમેરો; ઠક્કરબાપાનગર વોર્ડમાં આજથી આધાર સેન્ટર કાર્યરત
·Monday, 3 August 2026 at 10:13 am

નાગરિકોને ઘરઆંગણે સરળ ડિજિટલ સેવાઓ પૂરી પાડવા AMCની વધુ એક પહેલ; મેયર શ્રી હિતેશભાઈ બારોટ, કમિશનર શ્રી બંછાનિધિ પાની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશ પટેલ અને પદાધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ ઠક્કરબાપાનગર વોર્ડમાં નવા આધાર નોંધણી અને અપડેશન કેન્દ્રનો પ્રારંભ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઘરઆંગણે સરળ, ઝડપી અને સુલભ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના સતત પ્રયાસોના ભાગરૂપે શહેરના ઠક્કરબાપાનગર વોર્ડમાં નવા આધાર નોંધણી અને અપડેશન કેન્દ્રનો આજથી (03 ઓગસ્ટ, 2026) પ્રારંભ કરવામાં આવ્યો છે. મેયર શ્રી હિતેશભાઈ બારોટ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશ પટેલ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ નાગરિક કેન્દ્રિત સેવાઓને વધુ અસરકારક અને સરળ બનાવવાના દિશામાં AMC સતત કાર્યરત છે. તે જ અભિગમને આગળ વધારતા આ નવા આધાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી શરૂ કરવામાં આવેલું આ કેન્દ્ર UIDAI દ્વારા અધિકૃત છે અને અહીં આધાર કાર્ડની નવી નોંધણી તેમજ આધારની વિગતોમાં જરૂરી સુધારા અને અપડેશન જેવી સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ કેન્દ્ર શરૂ થતાં ઠક્કરબાપાનગર, નિકોલ તેમજ આસપાસના વિસ્તારોમાં વસતા હજારો નાગરિકોને હવે આધાર સંબંધિત કામગીરી માટે શહેરના અન્ય વિસ્તારોમાં જવાની જરૂર રહેશે નહીં, જેના કારણે સમય અને ખર્ચ બંનેની બચત થશે તેમજ સેવાઓ વધુ ઝડપથી પ્રાપ્ત થઈ શકશે.
આધાર કેન્દ્ર ઠક્કરબાપાનગર વોર્ડ ઓફિસ, કેવડાજીની ચાલી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કાર્યરત રહેશે. કેન્દ્રનો પ્રારંભ 03 ઓગસ્ટ, 2026થી કરવામાં આવ્યો છે અને તે દર સોમવારથી શનિવાર સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા અને ઈઝ ઑફ લિવિંગના વિઝનને સાકાર કરવા તેમજ નાગરિકોને સરકારી સેવાઓ વધુ સુલભ રીતે ઉપલબ્ધ કરાવવાના હેતુથી શહેરના તમામ વોર્ડમાં આધાર નોંધણી અને અપડેશન કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ પહેલના પરિણામે નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ ઝડપી, પારદર્શક અને નજીકના સ્થળે મળી રહી છે, જેના કારણે સરકારી યોજનાઓ અને વિવિધ સેવાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા પણ વધુ સરળ બની રહી છે.
મેયર શ્રી હિતેશભાઈ બારોટ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશ પટેલ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓના માર્ગદર્શન હેઠળ AMC શહેરમાં નાગરિક સુવિધાઓના વિસ્તરણ માટે સતત પ્રયાસશીલ છે. આધુનિક, ડિજિટલ અને નાગરિકમૈત્રી સેવાઓને પ્રાથમિકતા આપતી AMC દ્વારા વિવિધ વોર્ડોમાં આવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને શહેરના રહેવાસીઓને ઘરઆંગણે ગુણવત્તાસભર જાહેર સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ સતત આગળ વધારવામાં આવી રહ્યો છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
