દેશભક્તિની ભાવનાને જનજન સુધી પહોંચાડવા અને યુવાઓને સર્જનાત્મક રીતે જોડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 11 ઓગસ્ટ, 2026ના રોજ રાયપુર દરવાજાથી સારંગપુર ચાર રસ્તા સુધી યોજાનારી 'તિરંગા યાત્રા' નિમિત્તે 'તિરંગા યાત્રા રીલ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ 11 ઓગસ્ટે સાંજે 5:00 વાગ્યાથી યોજાનારી તિરંગા યાત્રામાં જોડાઈ, યાત્રાના દૃશ્યો અને દેશભક્તિના ઉત્સાહને રજૂ કરતી એક સર્જનાત્મક રીલ તૈયાર કરવાની રહેશે. સ્પર્ધાના વિજેતાઓને રૂ. 11 હજારથી રૂ. 31 હજાર સુધીના રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. જેમાં પ્રથમ વિજેતાને રૂ. 31 હજાર, દ્વિતીય વિજેતાને રૂ. 21 હજાર અને તૃતીય વિજેતાને રૂ. 11 હજારનું રોકડ ઇનામ આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ 11 ઓગસ્ટે યોજાનારી તિરંગા યાત્રામાં જોડાવું ફરજિયાત રહેશે.ત્યારબાદ, તિરંગા યાત્રાના દૃશ્યોનો ઉપયોગ કરીને દેશભક્તિની ભાવના દર્શાવતી રીલ તૈયાર કરવાની રહેશે. આ રીલ પોતાના પબ્લિક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવાની રહેશે. રીલ પોસ્ટ કરતી વખતે #AmdavadTirangaYatra2026 અને #AMC હેશટેગનો ઉપયોગ કરવાનો રહેશે. ઉપરાંત @amdavadamcને ટેગ કરવાના રહેશે. ત્યારબાદ, પોસ્ટ કરેલી એ જ રીલ @amdavadamcને ડાયરેક્ટ મેસેજ (DM) દ્વારા મોકલવાની રહેશે, જેમાં સ્પર્ધકે પોતાનું નામ, વોર્ડ અને સંપર્ક નંબર પણ મોકલવાનો રહેશે. રીલ મોકલવાની અંતિમ તારીખ 16 ઓગસ્ટ, 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો, ખાસ કરીને યુવાઓને આ અનોખી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાની સર્જનાત્મકતા દ્વારા દેશપ્રેમની ભાવનાને અભિવ્યક્ત કરવા અપીલ કરવામાં આવી છે.