રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ પહોંચાડવાના સંકલ્પને વધુ મજબૂત બનાવતાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU), અમદાવાદ દ્વારા પાલનપુર ખાતે યુનિવર્સિટીના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રના નવનિર્માણ કાર્યનો 'પહેલી ઈંટનાં સાક્ષી' ભવ્ય કાર્યક્રમ યોજાયો. રાજ્યના શિક્ષણમંત્રી માનનીય ડૉ. પ્રદ્યુમન વાજા આ કાર્યક્રમમાં સાક્ષી બન્યા હતા. 'પહેલી ઈંટનાં સાક્ષી' કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલગુરુ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયની ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ શોભા આપી હતી. આ ઉપરાંત યુનિવર્સિટીના અધિકારીઓ, વિવિધ અભ્યાસ કેન્દ્રોના સંયોજકો, શિક્ષણવિદો, સ્થાનિક આગેવાનો, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી. મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતાં ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકાર શિક્ષણને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા લાખો વિદ્યાર્થીઓ સુધી ઉચ્ચ શિક્ષણ પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.પાલનપુર ખાતે પ્રાદેશિક કેન્દ્રનું નવનિર્માણ બનાસકાંઠા અને સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની નવી તકોનું કેન્દ્ર બનશે.’ ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરે તેમના ઉદ્બોધનમાં 'પહેલી ઈંટના સાક્ષી' બનીને અત્યંત ગૌરવ અને આનંદની અનુભૂતિ સાથે યુનિવર્સિટીના કુલગુરુ પ્રો. (ડૉ.) અમીબેન ઉપાધ્યાયના સાહસિક નેતૃત્વ, દીર્ઘદ્રષ્ટિ અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસોની વિશેષ નોંધ લઈ તેમના ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘કુલગુરુશ્રીના સતત પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શનના કારણે જ પાલનપુર ખાતે આ પ્રાદેશિક કેન્દ્ર આકાર લઈ રહ્યું છે. આ પ્રાદેશિક કેન્દ્રનું નિર્માણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શૈક્ષણિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. આ શૈક્ષણિક સંકુલ અંગે વાત કરતાં તેમણે ઉમેર્યું કે, ‘આ કેન્દ્ર મળવાથી બનાસકાંઠા જિલ્લાના દૂર-સુદૂરના ગ્રામીણ વિસ્તારો, અંતરિયાળ વિસ્તારો તેમજ આર્થિક અને સામાજિક રીતે વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના ઘરઆંગણે શ્રેષ્ઠ અવસરો પ્રાપ્ત થશે. ’ આ તકે તેમણે પ્રાદેશિક કેન્દ્રના નિર્માણ બદલ યુનિવર્સિટી પરિવાર અને પ્રશાસનને અભિનંદન પાઠવ્યા હતા અને બનાસકાંઠાના સર્વાંગી શૈક્ષણિક ઉત્થાન માટે આ કેન્દ્રને એક સશક્ત માધ્યમ ગણાવ્યું હતું. આ પ્રસંગે કુલગુરુ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, "શિક્ષણ સૌને માટે"ના યુનિવર્સિટીના ધ્યેયને સાકાર કરવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. પાલનપુર પ્રાદેશિક કેન્દ્રનું નવું ભવન વિદ્યાર્થીઓને પ્રવેશ, અભ્યાસ, પરીક્ષા, શૈક્ષણિક માર્ગદર્શન, વિદ્યાર્થી સહાય સેવાઓ અને અન્ય વહીવટી સેવાઓ સ્થાનિક સ્તરે સરળતાથી ઉપલબ્ધ કરાવશે. આ કેન્દ્ર બનાસકાંઠા તેમજ આસપાસના જિલ્લાઓના હજારો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણને વધુ સુલભ, ગુણવત્તાસભર અને અસરકારક બનાવશે. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે પ્રતીકાત્મક રીતે પ્રથમ ઈંટ મૂકીને નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ આ પ્રસંગને બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ શિક્ષણના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે આવકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છેલ્લા ત્રણ દાયકાથી ઓપન અને ડિસ્ટન્સ લર્નિંગના માધ્યમથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની તક પૂરી પાડી રહી છે. નવી શિક્ષણ નીતિ (NEP 2020)ના ઉદ્દેશ્યોને અનુરૂપ યુનિવર્સિટી દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં શૈક્ષણિક પહોંચ વધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પાલનપુર–અંબાજી હાઈવે પર નવી આર.ટી.ઓ. ઓફિસ નજીક નિર્માણ પામનાર આ પ્રાદેશિક કેન્દ્ર આધુનિક સુવિધાઓથી સજ્જ રહેશે. અહીંથી વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક સેવાઓ ઉપરાંત માર્ગદર્શન, અભ્યાસ સામગ્રી, પરીક્ષા સંબંધિત સેવાઓ અને અન્ય શૈક્ષણિક સહાય સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બનશે. જે બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના વિકાસને નવી દિશા અને ગતિ પ્રદાન કરશે. પાલનપુર મુકામે પ્રાદેશિક કેન્દ્ર ભવન નિર્માણનો સંકલ્પ અને ભૂમિ પૂજનનો આ પ્રસંગ ડૉ.બાબાસાહેબ તાજેતરની ઉત્તમ ઉપલબ્ધિ તરીકે સૌના મનમાં અંકિત થયો.