સમયસર બચાવ, અદ્યતન નિદાનાત્મક ઇમેજિંગ, વિશેષ વન્યજીવ પશુચિકિત્સા, સારવાર અને લાંબા ગાળાના પુનર્વસનથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત વન્યજીવોને જીવનની બીજી તક આપી શકાય છેઃ બી.પી. પતી (IFS), નિયામક, GEER ફાઉન્ડેશન* *ગાંધીનગર:* અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક માર્ગ અકસ્માતમાં કરોડરજ્જુમાં ગંભીર ઈજા પામેલો એક દીપડો ગાંધીનગર સ્થિત ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા મહિનાઓ સુધી આપવામાં આવેલી વિશેષ પશુચિકિત્સા સારવાર અને પુનર્વસન બાદ ફરી વખત હરતો-ફરતો થયો છે. GEER ફાઉન્ડેશન વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સ્થાપિત એક સ્વાયત્ત સંસ્થા છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ ઇજાગ્રસ્ત દીપડાના સફળ બચાવ, સારવાર અને પુનર્વસન બદલ GEER ફાઉન્ડેશનની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 19 જાન્યુઆરી, 2026ના રોજ ખેરંચા-ખોડંબા હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતમાં દીપડો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. વન વિભાગની રેસ્ક્યૂ ટીમે સુરક્ષિત રીતે દીપડાને બચાવી તેને વિભાગીય સુવિધા કેન્દ્રમાં ખસેડ્યો હતો, જ્યાં પશુપાલન વિભાગના વેટરનરી અધિકારીઓએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. GEER ફાઉન્ડેશનના નિયામક બી.પી. પતી (IFS)એ જણાવ્યું કે, “દીપડાની સ્થિતિ અત્યંત ગંભીર હતી. દીપડાનાં પાછળનાં બંને પગ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ ગયા હતા. તે ઊભો થઈ શકતો ન હતો અને આગળના પગની મદદથી પાછળના શરીરના ભાગને ઘસડતો હતો. તેની ન્યુરોલોજિકલ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને અદ્યતન તપાસ અને વિશેષ વન્યજીવ પશુચિકિત્સા સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો.” 20 જાન્યુઆરીએ અરવલ્લી વન વિભાગે GEER ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ દીપડાને હિંમતનગરના રાજપુર ખાતે આવેલી કામધેનુ યુનિવર્સિટીના રેફરલ સેન્ટર, ટીચિંગ વેટરનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સમાં રેડિયોગ્રાફિક તપાસ માટે લઈ જવાયો હતો. તપાસ પહેલાં દીપડાને સાવચેતીપૂર્વક એનેસ્થેશિયા આપવામાં આવ્યું હતું. રેડિયોગ્રાફમાં L7-S1 વિસ્તારમાં ગંભીર ટ્રોમેટિક લંબોસેક્રલ ફ્રેક્ચર-સબલક્સેશન જોવા મળ્યું હતું, જેમાં લંબોસેક્રલ આર્ટિક્યુલર ભાગો પણ અસરગ્રસ્ત હોવાની શક્યતા જણાઈ હતી. આ વિસ્તાર પાછળના પગ, પૂંછડી અને પેલ્વિક વિસ્તારની કામગીરી સાથે સંકળાયેલા ચેતાતંતુઓના મૂળ સાથે નજીકથી જોડાયેલો છે. આ ઈજાના કારણે દીપડાને ગંભીર લકવો થયો હતો અને તે ઊભો થઈ શકતો ન હતો. “કરોડરજ્જુની ઈજા સાથે દીપડાને અન્ય અનેક ઈજાઓ પણ થઈ હતી, જેમાં નીચલા જડબાની ગંભીર ઈજાનો સમાવેશ થાય છે. તેના નીચલા હોઠ ઢળી ગયા હતા, મોઢા અને પેઢાની પેશીઓને ગંભીર નુકસાન થયું હતું અને ચેપ પણ લાગ્યો હતો. શરૂઆતમાં તેને ખોરાક અને પાણી લેવામાં પણ ભારે મુશ્કેલી પડતી હતી, જેના કારણે તેની ન્યુરોલોજિકલ ઈજાઓનું જોખમ વધુ વધી ગયું હતું.” બી.પી. પતીએ વધુમાં જણાવ્યું હતું. GEER ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર (IFS) અમિત નાયકે જણાવ્યું કે, “લકવાગ્રસ્ત દીપડાને ગાંધીનગરનાં ઇન્દ્રોડા નેચર પાર્ક ખાતે લાવવામાં આવ્યો અને ત્યારબાદ GEER ફાઉન્ડેશનની વેટરનરી ટીમે આ દીપડા માટે ખાસ ટ્રીટમેન્ટ કેજમાં તેને રાખવાનું નક્કી કર્યું. જેથી તેને સુનિયંત્રિત અને ઓછા તણાવવાળું વાતાવરણ પૂરું પાડી શકાય. યથાશક્ય માનવીય સંપર્કને ટાળી દૂરથી જ તેના પર સતત નજર રાખવામાં આવતી હતી. લંબોસેક્રલ વિસ્તારમાં વધુ ઈજા ન થાય અને ઝડપથી રિકવરી આવે તે માટે તેના હલનચલન પર પણ નિયંત્રણ રાખવામાં આવતું હતું. વેટરનરી ટીમે દરરોજ સઘન સારવાર સાથે શરીરની યોગ્ય સ્થિતિ જાળવવી, નિયંત્રિત પોઝિશનિંગ, પોષણક્ષમ આહાર અને સપ્લિમેન્ટેશન સહિતની સારવાર આપી.” થોડા જ દિવસોમાં દીપડામાં સ્વસ્થ થવાના સંકેતો દેખાવા લાગ્યા હતા. ત્રણ દિવસમાં તેણે પોતાની ઇચ્છાથી ખોરાક અને પાણી લેવાનું શરૂ કર્યું. પાંચમા દિવસે તેણે સામાન્ય રીતે પેશાબ અને મળત્યાગ કરવાનું શરૂ કર્યું. એક સપ્તાહની અંદર તેની શક્તિ અને વર્તનમાં સુધારો જોવા મળ્યો અને નજીક આવતા કર્મચારીઓ પ્રત્યે તેની આક્રમક તથા રક્ષણાત્મક પ્રતિક્રિયાઓ ફરી જોવા મળી. અમિત નાયકે જણાવ્યું કે, “લગભગ 20 દિવસ બાદ દીપડાએ આગળના પગની મદદથી પોતાના શરીરને ઊંચું કરવાનું શરૂ કર્યું. આશરે 40મા દિવસે તે ચારેય પગ પર ઊભો રહેવા સક્ષમ બન્યો, જોકે પાછળના પગ પર વજન મૂકવામાં હજુ મુશ્કેલી પડતી હતી. લગભગ 50માં દિવસે તેની શરીરની મુદ્રા વધુ કુદરતી બની ગઈ હતી. આશરે બે મહિના બાદ તેણે સારવાર માટેના વાડામાં ચાલવાનું શરૂ કર્યું. અકસ્માતના લગભગ બે મહિના અને 15 દિવસ બાદ તેણે શરીરની કુદરતી મુદ્રા અને સામાન્ય ચાલ ફરી મેળવી લીધી.” *દીપડાને નવજીવન મળ્યુ પણ ફરી કુદરતી વાતાવરણમાં નહી ફરી શકે.* નોંધપાત્ર સ્વસ્થતા છતાં દીપડામાં હજુ પણ શરીરની મુદ્રામાં થોડું વિચલન અને પૂંછડી ઢળી જવાની સમસ્યા જોવા મળે છે, જે કરોડરજ્જુની ઈજાની કેટલીક અવશેષ અસરો દર્શાવે છે. જંગલમાં શિકાર કરવાની, હલનચલન કરવાની, પોતાના વિસ્તારનું રક્ષણ કરવાની તેમજ અન્ય જોખમોથી બચવાની ક્ષમતામાં તેને પડકારો આવી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તેને ફરી મુક્ત કુદરતી વાતાવરણમાં ન છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. *ઇન્દ્રોડા નેચર પાર્કમાં કુદરતી વાતાવરણમાં જીવન જીવશે દીપડો* દીપડાને હાલ ઇન્દ્રોડા નેચર પાર્કમાં જ રાખવામાં આવ્યો છે, જ્યાં તે યોગ્ય સંભાળ અને દેખરેખ હેઠળ કુદરતી વાતાવરણને અનુરૂપ પરિસ્થિતિમાં જીવન જીવી શકશે. આ સમગ્ર ઘટના એ વાતને ઉજાગર કરે છે કે સમયસર બચાવ, અદ્યતન નિદાનાત્મક ઇમેજિંગ, વિશેષ વન્યજીવ પશુચિકિત્સા સારવાર અને લાંબા ગાળાનું પુનર્વસન ગંભીર રીતે ઇજાગ્રસ્ત વન્યજીવોને જીવનની બીજી તક આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. *ઇન્દ્રોડા નેચર પાર્કમાં વન્યજીવ આરોગ્યસંભાળ વધુ મજબૂત* GEER ફાઉન્ડેશન પાસે સમર્પિત વેટરનરી હોસ્પિટલ છે, જે પાર્કમાં રહેલા વન્યજીવોને વ્યાપક આરોગ્યસંભાળ પૂરી પાડવા ઉપરાંત ગાંધીનગરની આસપાસનાં જિલ્લાઓમાં વન્યજીવોનાં બચાવ, પુનર્વસન અને કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક રેસક્યૂ માટે પણ સહાય પૂરી પાડે છે. *અત્યાધુનિક વાઇલ્ડ લાઇફ વેટરનરી હોસ્પિટલ તૈયાર થશે* GEER ફાઉન્ડેશન રાજ્યમાં વન્યજીવ આરોગ્યસંભાળના માળખાને વધુ મજબૂત બનાવવા માટે ઇન્દ્રોડા નેચર પાર્ક ખાતે અત્યાધુનિક વાઇલ્ડલાઇફ વેટરનરી હોસ્પિટલ વિકસાવી રહ્યું છે. આ સુવિધામાં અદ્યતન નિદાન, સર્જરી, ક્રિટિકલ કેર અને પુનર્વસન સેવાઓ ઉપલબ્ધ થશે. તેમાં ડિજિટલ રેડિયોગ્રાફી, અલ્ટ્રાસોનોગ્રાફી, સમર્પિત ઓપરેશન થિયેટર, ICU, પેથોલોજી લેબોરેટરી, નવજાત પ્રાણીઓ માટે કેર યુનિટ, OPD, રિકવરી રૂમ, ફાર્મસી અને રેફરન્સ લાઇબ્રેરી જેવી સુવિધાઓનો સમાવેશ થશે. વન્યજીવોની કટોકટીની પરિસ્થિતિમાં વેટરનરી ટીમ એક મહત્વપૂર્ણ ફિલ્ડ-રિસ્પોન્સ યુનિટ તરીકે પણ ઉભરી આવી છે. વર્ષ 2026માં ટીમે વન્યજીવોના બચાવ, તાત્કાલિક સારવાર અને પુનર્વસનનાં 10થી વધુ કિસ્સાઓમાં સફળતાપૂર્વક કામગીરી કરી છે.