યુવા મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા વિશે જાગૃતતા સાથે ચૂંટણીમાં મતદાન કરી તેમની ભાગીદારી નોંધાવે: શ્રી નવીન મહાજન- CEO, રાજસ્થાન દેશના વિવિધ રાજ્યો તથા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની ભાગીદારીને કારણે આ પરિસંવાદથી ચૂંટણી પારદર્શિતાના વિવિધ મોડલ અને વ્યવહારુ અનુભવોનો સમન્વય સર્જાયો દેશ-વિદેશના ચૂંટણી અધિકારીઓ, નિષ્ણાતો અને કાયદા ક્ષેત્રના અગ્રણીઓનું આંતરરાષ્ટ્રીય ચર્ચામંચ બન્યું નિરમા યુનિવર્સિટી પરિસર લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદેહીને વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની કચેરી દ્વારા 21 જુલાઈ, 2026ના રોજ નિરમા યુનિવર્સિટી, અમદાવાદ ખાતે “Electoral Transparency: Political Parties as Concurrent Auditors” વિષય પર આંતરરાષ્ટ્રીય વિષયક પરિસંવાદ (Thematic Symposium) યોજાયો હતો. આ પરિસંવાદનું આયોજન મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી, ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેમોક્રસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ (IIIDEM),નવી દિલ્હી સહિતની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી સંદીપ સાગળે IAS, રાજસ્થાનના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી નવીન મહાજન, IAS , આણંદના કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, IAS, શ્રી રીન્કેશ પટેલ, IAS તેમજ ફિલિપાઇન્સના ચૂંટણી વ્યવસ્થાપન ક્ષેત્રના પ્રતિનિધિઓ Atty. Jovencio G. Balanquit તથા Atty.Zennia S. Ledesma ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદના પ્રારંભ સત્રમાં Atty. Jovencio G. Balanquit એ પોતાના સંબોધનમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીના સતત અને સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. ફિલિપિન્સ અને ભારતની લોકશાહીની સામ્યતા દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન મતદારયાદીની વિશ્વસનીયતા, મતદાન અને મતગણતરી દરમિયાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરી, ચૂંટણી કાયદાના ભંગ સામે અસરકારક કાર્યવાહી, ચૂંટણી તંત્ર દ્વારા નવીનત્તમ ટેકનોલોજીનો સ્વીકાર અને અમલીકરણ ખૂબ જરૂરી છે. ચૂંટણી ઓથોરિટી એકલી જ સંપૂર્ણ પારદર્શિતા લાવી શકતી નથી. રાજકીય પક્ષો, નાગરિક સંગઠનો અને મીડિયા આ પ્રક્રિયામાં 'વોચડોગ' અને ઓડિટર તરીકે કામ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત અને ફિલિપિન્સ બંને દેશો દરેક મતદારના મતનું મૂલ્ય અને મહત્વ સમજે છે. ડિજિટલ/ઓટોમેટેડ સિસ્ટમ હોય કે પરંપરાગત (મેન્યુઅલ) પદ્ધતિ, ચૂંટણીના તમામ તબક્કામાં પારદર્શિતા જાળવવી અનિવાર્ય છે. જો ચૂંટણી પ્રક્રિયા પારદર્શક ન હોય, તો લોકોનો વિશ્વાસ ઘટે છે અને લોકશાહી નબળી પડે છે. આજનો પરિસંવાદ લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂતી આપશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. તેઓશ્રીએ ગુજરાતીમાં 'નમસ્કાર' સાથે સંબોધનનો આરંભ અને 'આભાર' સાથે પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું. રાજસ્થાનના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી નવીન મહાજને જણાવ્યું હતું કે, ભારતમાં ચૂંટણીઓ દરમિયાન મુખ્ય ત્રણ તબક્કાઓ મતદારયાદીની તૈયારી, મતદાન અને મતગણતરી અર્થાત પરિણામના ત્રણેય તબક્કામાં રાજકીય પક્ષોના BLA, પોલિંગ એજન્ટ અને ઉમેદવારના પ્રતિનિધિની સામેલગીરી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાની સાબિતી આપે છે. તેમણે ઉમેર્યું કે ભારતના ચૂંટણીપંચ દ્વારા દેશભરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાયુજ્ય સાધીને સાથે આ પ્રકારના અર્થસભર આયોજનો કરવામાં આવે છે. જેથી યુવા મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા વિશે જાગૃતતા સાથે ચૂંટણીમાં મતદાન કરી તેમની ભાગીદારી નોંધાવે. તેમણે પરિસંવાદના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી. આ ઉપરાંત તેમણે વિષય પસંદગી અને સફળ આયોજન બદલ CEO ગુજરાતની ટીમ તેમજ નિરમા યુનિવર્સિટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી સંદીપ સાગળેએ જણાવ્યું હતું કે, આ પરિસંવાદ દરમિયાન પાંચ મહત્વપૂર્ણ વિષય પર અલગ-અલગ સત્રોમાં ગહન ચર્ચા કરવામાં આવી છે. તેમાં સંસ્થાકીય માળખું, તટસ્થતા અને રાજકીય પક્ષ આધારિત દેખરેખ- સમગ્ર ચૂંટણીચક્ર દરમિયાન ચકાસણીની સાતત્યતા અને તેમાં રહેલી ખામીઓ- પારદર્શિતા, વિશ્વાસ અને રાજકીયકરણનું જોખમ- ટેક્નોલોજી આધારિત ચૂંટણી વ્યવસ્થામાં Auditability તેમજ નિરીક્ષણથી જવાબદેહી સુધીની પ્રક્રિયા જેવા સમકાલીન અને મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યુ હતું કે, આધુનિક ચૂંટણી વ્યવસ્થામાં ટેક્નોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ઇલેક્ટ્રોનિક મતદાન પ્રણાલી, ડિજિટલ મતદાર યાદીઓ, પરિણામ વ્યવસ્થાપન અને ડેટા આધારિત ચૂંટણી પ્રક્રિયાઓએ ચૂંટણી સંચાલનમાં નવી તકો ઊભી કરી છે, તો સાથે સાથે ચકાસણીક્ષમતા, સાયબર સુરક્ષા અને જાહેર વિશ્વાસ જેવા નવા પડકારો પણ સામે આવ્યા છે. આવા સંજોગોમાં ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ, રાજકીય પક્ષો, કાયદા નિષ્ણાતો, શિક્ષણવિદો અને અન્ય હિતધારકો વચ્ચે સંવાદ અને અનુભવોનું આદાન-પ્રદાન વધુ મહત્વપૂર્ણ બન્યું છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યો તથા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની ભાગીદારીને કારણે આ પરિસંવાદથી ચૂંટણી પારદર્શિતાના વિવિધ મોડલ અને વ્યવહારુ અનુભવોનો સમન્વય સર્જાયો છે. ખાસ કરીને ફિલિપાઇન્સના પ્રતિનિધિઓના આંતરરાષ્ટ્રીય અનુભવો, વિવિધ રાજ્યોના ચૂંટણી અધિકારીઓના વ્યવહારુ અનુભવો અને દેશની કાયદા યુનિવર્સિટીઓના શૈક્ષણિક તથા કાનૂની દૃષ્ટિકોણના સમન્વયથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદેહી વધુ મજબૂત બનાવવા અંગે વ્યાપક ચર્ચા કરવામાં આવી છે. તેમણે યુવાનોને લોકશાહીનો આધાર સ્તંભ ગણાવી ચૂંટનીપ્રક્રિયામાં સહભાગી બનવા આહવાન પણ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાંથી પ્રાપ્ત થનારા વિચારો, અનુભવો અને નિષ્ણાતોના સૂચનો દ્વારા ચૂંટણી પારદર્શિતાની હાલની વ્યવસ્થાઓની વધુ સારી સમજ વિકસાવવા, ઉભરતા પડકારો અને તકોની ઓળખ કરવા, વિવિધ ચૂંટણી વ્યવસ્થાઓની શ્રેષ્ઠ પ્રથાઓનું દસ્તાવેજીકરણ કરવા તથા પુરાવા આધારિત નીતિ વિષયક ભલામણો વિકસાવવામાં મદદ મળશે. આ વિચારમંથન ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા, જવાબદેહી અને જનવિશ્વાસને વધુ સુદૃઢ કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પરિસંવાદમાં વિવિધ ચર્ચાસત્રોમાં દેશની વિવિધ પ્રતિષ્ઠિત કાયદા યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ (Vice-Chancellors), રજિસ્ટ્રાર, શિક્ષણવિદો, સંશોધકો, કાયદા ક્ષેત્રના નિષ્ણાતો તથા ચૂંટણી વ્યવસ્થાપન સાથે સંકળાયેલા અધિકારીઓ તથા વરિષ્ઠ પત્રકારો પણ સામેલ થયા હતા. તદુપરાંત ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ નિરમા યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી કે.કે. પટેલ, INLUના ડીન અને ડિરેક્ટર ડૉ. માધુરી પરીખ, નિરમા યુનિવર્સિટીના ડી.જી. ડૉ. આર.એન.પટેલ, યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર્સ, ફેકલ્ટી મેમ્બર્સ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.