અમદાવાદના ડીલરોએ વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ નિયમાનુસાર અને ગુણવત્તાયુક્ત રીતે લગાવવા RTO અમદાવાદની તાકીદ
અમદાવાદ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી દ્વારા શહેર તથા ગ્રામ્યના તમામ ઓટોમોબાઈલ ડીલરોને સૂચિત કરાયા
·Friday, 31 July 2026 at 11:45 am
અમદાવાદ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી દ્વારા અમદાવાદ શહેર તથા ગ્રામ્યના તમામ ઓટોમોબાઈલ ડીલરોને વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP) નિયમાનુસાર અને ગુણવત્તાયુક્ત રીતે લગાવવા અંગે અમદાવાદ આરટીઓ કચેરી દ્વારા તાકીદ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મોટર વાહન નિયમ 50(V) મુજબ વાહનોમાં HSRP નંબર પ્લેટ સ્નેપ લોક ફિટિંગ સિસ્ટમથી જ લગાડવી ફરજિયાત છે. અવારનવાર મળતી રજૂઆતો મુજબ RTO કચેરીના ધ્યાને આવ્યું હતું કે સ્નેપ લોકના બદલે સામાન્ય પ્રકારના રીવેટ લગાવવામાં આવે છે, જેના કારણે નંબર પ્લેટ ટકાઉ રહેતી નથી. ભારે વરસાદ કે ગરમીની સીઝન દરમિયાન નંબર પ્લેટનો કલર ફેડ થઈ જવો, નંબર પ્લેટ નીકળી જવી કે તૂટી જવાના કિસ્સાઓ બને છે. આ પરિસ્થિતિના કારણે ગુન્હાહિત કૃત્યો કરનારા તત્ત્વોને અવકાશ મળે છે અને વાહનનો દુરુપયોગ કરીને ગુન્હો આચરવાની સંભાવનાઓ રહે છે.
આથી પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, અમદાવાદ દ્વારા અમદાવાદના તમામ ડીલરોને સરકારશ્રીના નિયમો મુજબ ગુણવત્તાયુક્ત HSRP નંબર પ્લેટ ફિટ કરવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓનલાઈન કામગીરી દરમિયાન અરજદારો પાસેથી નિયત ધોરણસરની જ ફી અને કાગળો માંગવા જેથી અરજદારોને કોઈ બિનજરૂરી મુશ્કેલી ન પડે. વાહનમાં ટકાઉ અને ગુણવત્તાયુક્ત નંબર પ્લેટ લગાવેલી હશે તો કોઈપણ ગુનાહિત કામગીરી દરમિયાન વાહનની ઓળખ સરળતાથી કરી શકાશે. આ સૂચનાઓનો ચુસ્તપણે અમલવારી કરવા દરેક ડીલરોને આદેશ આપવામાં આવ્યો છે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
