ગુજરાત યુનિવર્સિટીને UGC તરફથી મોટી સિદ્ધિ, મળી કેટેગરી-II ગ્રેડેડ ઓટોનોમસનો દરજ્જો!
આ પ્રતિષ્ઠિત માન્યતા મેળવનારી ગુજરાતની એકમાત્ર સ્ટેટ-યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ
·Tuesday, 4 August 2026 at 06:41 pm
ગુજરાત યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા UGC (Categorisation of Universities [Only] for Grant of Graded Autonomy) Regulations, 2018 6 Category-ll University તરીકે તા. 29 જુલાઈ 2026ના રોજ માન્યતા આપવામાં આવી છે. આ સાથે UGC Category-ll Graded Autonomyની માન્યતા અને તેના આનુષાંગિક લાભો પ્રાપ્ત કરનારી ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બની છે.
આ માન્યતા ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તા, સંશોધન, નવીનતા, સુશાસન, સંસ્થાકીય વિકાસ, આંતરરાષ્ટ્રીયકરણ તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવેલા સતત પ્રયત્નોની નોંધપાત્ર સિદ્ધિ છે.
UGC Regulations 2018ના Clause 5 હેઠળ ગુજરાત યુનિવર્સિટીને અનેક મહત્વપૂર્ણ શૈક્ષણિક અને વહીવટી લાભો પ્રાપ્ત થશે. યુનિવર્સિટી હવે પોતાના વર્તમાન શૈક્ષણિક માળખામાં UGCની પૂર્વમંજૂરી વિના નવા કોર્સ અને અભ્યાસક્રમ, શૈક્ષણિક કાર્યક્રમો, વિભાગો, સ્કૂલો અને વિશિષ્ટ કેન્દ્રો શરૂ કરી શકશે.
યુનિવર્સિટી સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જરૂરિયાતોને અનુરૂપ નવીન ડિપ્લોમા અને સર્ટિફિકેટ અભ્યાસક્રમો તેમજ National Skills Qualification Frameworkને અનુરૂપ કૌશલ્ય આધારિત અને રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરી શકશે. આથી ઉદ્યોગસંલગ્ન શિક્ષણ, વ્યાવસાયિક કૌશલ્ય અને વિદ્યાર્થીઓની રોજગારક્ષમતાને વધુ વેગ મળશે.
ભારત સરકારના લાગુ નિયમોને આધીન રહી, ગુજરાત યુનિવર્સિટી UGCની પૂર્વમંજૂરી વિના મંજૂર અધ્યાપકો સંખ્યાથી વધારાના 20 ટકા સુધી લાયક વિદેશી અધ્યાપકોની કરાર આધારિત અથવા નિર્ધારિત મુદત માટે નિમણૂક કરી શકશે. યુનિવર્સિટી પોતાની આવકમાંથી પારદર્શક અને ગુણવત્તા આધારિત અધ્યાપકો માટે પ્રોત્સાહક માળખું ઊભું કરીને પ્રતિભાશાળી શિક્ષકો અને સંશોધકોને આકર્ષી તથા જાળવી શકશે.
ગુજરાત યુનિવર્સિટી મંજૂર સ્થાનિક વિદ્યાર્થી સંખ્યાથી વધારાના 20 ટકા સુધી વિદેશી વિદ્યાર્થીઓને ગુણવત્તાના આધારે પ્રવેશ આપી શકશે. વિદેશી વિદ્યાર્થીઓ માટેની ફી નક્કી કરવાની સ્વતંત્રતા પણ યુનિવર્સિટીને પ્રાપ્ત થશે. આ જોગવાઈઓથી યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીયકરણ, વૈશ્વિક શૈક્ષણિક સહયોગ અને સ્વનિર્ભર આવકમાં વધારો થવાની અપેક્ષા છે.
પ્રવર્તમાન UGC નિયમો અને મંજૂરીને આધીન રહી યુનિવર્સિટી Open and Distance Learning દ્વારા પણ પોતાના શૈક્ષણિક કાર્યક્રમોનો વિસ્તાર કરી શકશે. ઉપરાંત, UGC દ્વારા બાહ્ય સમીક્ષા જરૂરી બનાવવામાં આવે ત્યારે યુનિવર્સિટી Category-1 યુનિવર્સિટીઓના નિષ્ણાતો દ્વારા પોતાની બાહ્ય peer-review વ્યવસ્થા ગોઠવી શકશે.
UGC Category-II Graded Autonomyની માન્યતા ગુજરાત યુનિવર્સિટી માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ છે. આ સ્વાયત્તતાથી નવા અને બહુવિષયક અભ્યાસક્રમો, કૌશલ્ય વિકાસ, સંશોધન, નવીનતા તથા આંતરરાષ્ટ્રીયકરણ સંબંધિત પહેલોને વધુ ઝડપથી અમલમાં મૂકી શકાશે. આ સિદ્ધિ ગુજરાત સરકારના સતત માર્ગદર્શન, પ્રોત્સાહન અને ઉચ્ચ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પણ પ્રતિબિંબ છે.
આ માન્યતા દ્વારા ગુજરાત યુનિવર્સિટી વિકસિત ગુજરાત @2047 અને વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ, સંશોધન, રોજગારક્ષમતા, નવીનતા અને વૈશ્વિક સહયોગના ક્ષેત્રોમાં વધુ અસરકારક યોગદાન આપી શકશે.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
