હાર્યા વગર અડગ રહેનાર જ ઇતિહાસ રચે છે. અમરેલીના વિદ્યાસભા સંકુલ સ્થિત DLSS કેમ્પસના બે પ્રતિભાશાળી ખેલાડીઓ—તાવ્યા ગુંજલ અને બાંભણિયા રાજેશે ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. વારંવાર મળેલી હાર છતાં લક્ષ્ય પર અડગ રહીને ઝળકેલા આ યુવા નિશાનબાજોની પ્રેરણાદાયી સફર પર એક નજર...

આ સ્પર્ધામાં તાવ્યા ગુંજલે ગોલ્ડ મેડલ અને બાંભણિયા રાજેશે ૧૦ મીટર રાઇફલ સ્પર્ધામાં બે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે., ગોલ્ડ મેડલ વિજેતા, ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ આ ઝળહળતી સિદ્ધિ વર્ષોના કઠોર પરિશ્રમ અને અતૂટ ધૈર્યનું પરિણામ છે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં સતત ત્રણ વખત અસફળ રહ્યા છતાં, તાવ્યાએ હિંમત હાર્યા વિના આખરે ગોલ્ડ મેડલ મેળવ્યો. બીજી તરફ, છેલ્લાં ત્રણ વર્ષથી તાલીમ લઈ રહેલા રાજેશે સાત-સાત વખત પરાજય છતાં આત્મવિશ્વાસ ડગવા દીધો નહીં અને અંતે બે બ્રોન્ઝ મેડલ સર કર્યા.

જાહેરાતAdvertisement

કેમ્પસમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, નિષ્ણાતોનું માર્ગદર્શન અને પૌષ્ટિક આહાર તેમની આ સફળતાનો પાયો બન્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત અને જિલ્લા રમતગમત તંત્રના સહયોગથી ઘડાયેલા આ બંને નિશાનબાજો હવે રાષ્ટ્રીય સ્તરે રાજ્યનું ગૌરવ વધારવા માટે સજ્જ છે.