માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની અધ્યક્ષતામાં આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે 72મા 'નેશનલ ફિલ્મ એવોર્ડ્સ'નો ભવ્ય સમારોહ યોજાયો હતો. આ ગરિમાપૂર્ણ પ્રસંગે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ દેશભરમાંથી પધારેલા સિનેજગતના શ્રેષ્ઠીઓનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ કાર્યક્રમનું આયોજન સંદેશ આપે છે કે આપણી એકતા જેટલી વિરાટ છે, આપણા ફિલ્મ સર્જકોની સૃજનશક્તિ પણ એટલી જ વિશાળ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠામાં તેમણે ભારતીય સિનેમાના યોગદાનને બિરદાવ્યું હતું. સમારોહમાં તમામ એવોર્ડ વિજેતા કલાકારોને અભિનંદન પાઠવવાની સાથે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતી ફિલ્મ 'મારણ'ને 'બેસ્ટ ગુજરાતી ફિલ્મ'નો એવોર્ડ મળવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ તકે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, પર્યટન સ્થળો અને પૌરાણિક વિરાસતની ઝાંખી કરાવી ફિલ્મ નિર્માતાઓને તેમના આગામી શૂટિંગ પ્રોજેક્ટ્સ માટે ગુજરાત આવવા ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું.