અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નવા ભેટાલી ગામની વતની દિશિતાબેન જોનભાઈ જીવાજી નીનામાએ ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજાયેલી ખેલો ઇન્ડિયા ફૂટબોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની આ સિદ્ધિથી નવા ભેટાલી ગામ સહિત સમગ્ર આદિવાસી સમાજમાં ગૌરવની લાગણી પ્રસરી છે.

ફૂટબોલ સ્પર્ધામાં દિશિતાબેને મેળવેલી આ સફળતા તેમની મહેનત, લગન અને રમત પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. તેમની આ સિદ્ધિથી ગામની અન્ય દીકરીઓને પણ રમતગમત ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળશે. દિશિતાબેનની સફળતા બદલ સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો, ગ્રામજનો અને શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.