હિંમતનગર તાલુકાના મીની વીરપુર ગણાતાં એવા સરવણા ગામે જલારામ મંદિર ખાતે શ્રી જલારામ સેવા સમિતિ ટ્રસ્ટ તથા સરવાણા ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે સંત શિરોમણી શ્રી જલારામબાપાની ૨૨૭મી જન્મજયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે બે દિવસીય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો.

જન્મોત્સવના પ્રથમ દિવસે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે બીજા દિવસે સવારે પૂજ્ય જલારામબાપા, શ્રીરામ દરબાર અને શ્રી રાધાકૃષ્ણને કેસર સ્નાન કરાવી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજ્ય બાપાની પ્રાતઃ આરતી, શ્રી શિવ પરિવાર, રામચંદ્ર ભગવાન, રાધાકૃષ્ણ તથા જલારામબાપાની પૂજા-અર્ચના સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

જાહેરાતAdvertisement

આ પ્રસંગે આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પૂજ્ય જલારામબાપાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા બાદ શ્રી જલારામ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને દાતાશ્રી વસંતલાલ સોમનાથ ત્રિવેદી તરફથી ભાવિક ભક્તો માટે ભોજનપ્રસાદ આપવામાં આવ્યો હતો. સાંજે જલારામબાપાની મહાઆરતી યોજાયા બાદ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાત્રે હિંમતનગરના નિજાનંદ ગ્રુપના કલાકાર પ્રવીણભાઈ પંચાલ દ્વારા સંતવાણી ડાયરાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. સમગ્ર જન્મોત્સવ દરમિયાન જલારામબાપાના જયઘોષથી સમગ્ર પંથક ભક્તિમય બન્યો હતો.