સ્વચ્છતા અભિયાનમાં મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા, મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, મેયરશ્રી હિતેશભાઈ બારોટ, સંસદસભ્યશ્રી દિનેશભાઈ મકવાણા, ડે.મેયર શ્રીમતી અંજુબેન શાહ, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર સહિતના મહાનુભાવોએ સફાઈ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ** અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારત સરકારના **નમો સ્વચ્છતા અભિયાન** અંતર્ગત કાલુપુર રેલવે સ્ટેશન નજીક સારંગપુર ચાર રસ્તા ખાતે આવેલી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પરિસરમાં આજે વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટ, સંસદસભ્યશ્રી દિનેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીઓ, મેયરશ્રી તેમજ ડેપ્યુટી મેયરશ્રી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ શ્રમદાન કરી પ્રતિમા પરિસર અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા તેમજ 'સ્વચ્છતા એ સેવા'ના ભાવ સાથે જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી ભારત સરકાર દ્વારા 1થી 7 જુલાઈ દરમિયાન નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. અભિયાન અંતર્ગત સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં વિશેષ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે તેમજ કચરો અને બિનજરૂરી ચીજવસ્તુઓનો યોગ્ય નિકાલ કરીને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ નિર્માણ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આ અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ, શ્રમદાન અને વિશેષ સફાઈ અભિયાનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને સહભાગિતાની ભાવના વધુ મજબૂત બને.