વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના વિવિધ મંદિરોમાં દર્શન કરી મહંતશ્રીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા
ગુરુપૂર્ણિમા નિમિત્તે પોરબંદરના વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન-પૂજન કરી મંત્રીશ્રીએ રાજ્યના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
·Wednesday, 29 July 2026 at 09:03 am

ભારતીય સંસ્કૃતિમાં ગુરુને જ્ઞાન, સંસ્કાર અને જીવનમાર્ગના પ્રેરણાસ્ત્રોત તરીકે સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર શહેરના વિવિધ મંદિરોમાં દર્શન કરી મહંતશ્રીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
મંત્રીશ્રીએ શ્રી હરિ મંદિર ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં યોજાયેલા ગુરુપૂર્ણિમા મહોત્સવમાં ઉપસ્થિત રહી તેમના પ્રેરણાદાયી અને મૂલ્યલક્ષી પ્રવચનનો લાભ લીધો હતો. આ પ્રસંગે તેમણે ભાવપૂજન કરી પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર શહેરના શ્રી સત્યનારાયણ મંદિર, શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિર, શ્રી રામનામ સંકીર્તન મંદિર તથા શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરે દર્શન-પૂજન કરીને રાજ્યના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
તેમણે મંદિરના પૂજ્ય મહંતશ્રીઓનું સન્માન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે જ રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસ, સમાજમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી સૌને ગુરુપૂર્ણિમાના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પ્રવીણ ખોરાવા, શહેર ભાજપ પ્રમુખ શ્રી લક્કિરાજ વાળા, અગ્રણી શ્રી સામતભાઈ ઓડેદરા સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
