યાત્રાધામ અંબાજી ખાતે તા. ૨૦ સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ સમા ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ થયો છે. આજે મહામેળાનો ચોથો દિવસ છે. મેળાના પ્રથમ ત્રણ દિવસમાં ૧૫.૮૫ લાખથી વધુ માઈભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. મહામેળાના ચોથા દિવસે પણ અંબાજી તરફના માર્ગો પર પદયાત્રીઓ અને વિવિધ સંઘોનો ધમધમાટ અવિરત જોવા મળી રહ્યો છે.

‘જય અંબે... બોલ માડી અંબે... અંબાજી દૂર હૈ, જાના જરૂરી હૈ...’ જેવા જયઘોષ અને જયનાદ સાથે માઈભક્તો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. મેળાના ચોથા દિવસે માં અંબાના દર્શન માટે માઈભક્તોનો અવિરત પ્રવાહ યાત્રાધામ અંબાજી ખાતે ઉમટી રહ્યો છે. દાંતા-હડાદના માર્ગો પર મોટી સંખ્યામાં પદયાત્રીઓ અને સંઘોમાં આવતા માઈભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. અબાલવૃદ્ધ સૌ કોઈ માં અંબાના દર્શનની ઝંખના સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.

જાહેરાતAdvertisement

શક્તિ, ભક્તિ અને શ્રદ્ધા સાથે અવિરત આવી રહેલા માઈભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે. ‘જય અંબે’ના જયનાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી રહી છે. પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં આનંદ, ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે માઈભક્તો નાચતા-ગાતા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. અનેક સ્થળોએ ભક્તો ગરબે ઘૂમીને માં અંબા પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાતના ખૂણે-ખૂણેથી તેમજ દૂર-સુદૂરથી આવતા માઈભક્તો હાથમાં ધજા, ત્રિશૂળ, ચુંદડી સહિતની ધાર્મિક સામગ્રી અને વિવિધ વેશભૂષા સાથે મોજ-મજા અને શ્રદ્ધાભાવપૂર્વક અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. દાંતા-અંબાજી સહિતના માર્ગો પર આવા પદયાત્રી સંઘોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.

અરવલ્લીની ગિરિમાળાઓ અને પ્રકૃતિના રમણીય સાનિધ્યમાં ભરાતા અંબાજીના ભાદરવી પૂનમ મહામેળામાં દરેક શ્રદ્ધાળુ પોતાની આગવી શ્રદ્ધા અને આસ્થા સાથે જોડાય છે. માં અંબા સૌના મનોરથ પૂર્ણ કરે છે તેવી અખૂટ આસ્થા સાથે લાખો ભાવિક માઈભક્તો ભાદરવી પૂનમના આ મહામેળામાં આવી રહ્યા છે અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.