અમદાવાદમાં પિતૃઓના સ્મરણ સાથે ભજન, સત્સંગ અને સેવાકાર્યનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. સંત પુનિત મહારાજની પ્રેરણાથી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 7 દિવસથી સામૂહિક શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ભજન-સત્સંગ દ્વારા પિતૃઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે દાનમાં મળતી રકમમાંથી જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવી સેવાકાર્યની અનોખી પહેલ કરવામાં આવી હતી.

પિતૃઓનું સ્મરણ, ભજનની ભક્તિ અને સેવાકાર્યનો સંકલ્પ... અમદાવાદમાં માનવતા અને શ્રદ્ધાનો સુંદર સંગમ જોવા મળ્યો.

જાહેરાતAdvertisement

સંત પુનિત મહારાજની પ્રેરણાથી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2008થી શ્રાદ્ધપક્ષના છેલ્લા સાત દિવસ દરમિયાન સામૂહિક શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પિતૃઓના સ્મરણાર્થે ભજન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

આ કાર્યક્રમની વિશેષતા એ છે કે ભજન-સત્સંગ દરમિયાન દાનમાં મળતી રકમનો ઉપયોગ સેવાકાર્ય માટે કરવામાં આવે છે. શ્રાદ્ધપક્ષના અંતિમ દિવસે હરિનારાયણ ભોજન સેવાનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે.

આ અંતર્ગત શનિવારે ખોડિયારનગરના માનવસેતુ કોમ્યુનિટી સેન્ટરના બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. ધાર્મિક આસ્થા સાથે જરૂરિયાતમંદ બાળકોની સેવા કરવાની આ પહેલ સમાજમાં માનવતા, કરુણા અને પરોપકારનો સંદેશ આપે છે.

પિતૃઓને શ્રદ્ધાંજલિ અને જરૂરિયાતમંદ બાળકોની સેવા... આ રીતે ભક્તિ સાથે માનવતાનો સંદેશ ફેલાવી રહ્યું છે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ.