રાજ્યભરમાં શારદીય નવરાત્રિની અનેરા ભક્તિભાવપૂર્વક ઉત્સાહપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે પાંચમા નોરતાની રાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદના નિકોલ ખાતે ખોડલધામ ગરબા મહોત્સવમાં અને વસ્ત્રાલ ખાતે કેસરિયા તાલ ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રીએ માતાજીની માંડવીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ઉપસ્થિત ખેલૈયાઓનું અભિવાદન ઝીલીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. નિકોલ ખોડલધામ ખાતે મુખ્યમંત્રીશ્રીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

જાહેરાતAdvertisement

બંને સ્થળોએ ગરબા મહોત્સવમાં આયોજકો અને સ્થાનિક રહીશો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વડીલો અને ખેલૈયાઓ સાથે સહજ આત્મીયતાથી સંવાદ સાધ્યો હતો.

વસ્ત્રાલ ખાતે કેસરિયા તાલ ગરબા મહોત્સવમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, ધારાસભ્ય બાબુસિંહ જાદવ, ડૉ. હસમુખ પટેલ તેમજ દિનેશસિંહ કુશવાહ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ, શહેર પ્રમુખ પ્રેરક શાહ ઉપસ્થિત રહ્યા હતા.

નિકોલ ખોડલધામ ગરબા મહોત્સવમાં ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યુ કમિટી ચેરમેન મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રીની મુલાકાત વેળાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો-કાઉન્સિલરો, રાજકીય અને સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.