90 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ ભિલોડા તાલુકાના મઉ ગામમાં આસો સુદ નોમના પવિત્ર દિવસે મઉ નવરાત્રી ગરબી મંડળ દ્વારા ધાર્મિક માહોલમાં કુમારિકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ નવદુર્ગા સ્વરૂપે નવ કન્યાઓ અને એક બટુકનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ નવદુર્ગા સ્વરૂપે કન્યાઓના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે ભક્તિભાવપૂર્વક આરતી ઉતારવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણ માતાજીની આરાધનાથી ભક્તિમય બની ગયું હતું. હિન્દુ ધર્મમાં કન્યાઓને નવદુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિના પાવન પર્વે કુમારિકા પૂજનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી ભક્તો દ્વારા પરંપરાગત રીતે પૂજન કરવામાં આવે છે.

મઉ ગામમાં નવરાત્રી ગરબી મંડળ દ્વારા છેલ્લા 90 વર્ષથી વડવાઓ ની પરંપરા જાળવી નવદુર્ગા પૂજન કરવામાં આવે છે. નવી પેઢીમાં ધાર્મિક સંસ્કાર અને સંસ્કૃતિનું જતન થાય તેવા હેતુથી આ પરંપરા આજે પણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નિભાવવામાં આવી રહી છે.

