ગાંધીનગર જિલ્લામાં ભૂમિસીમાંકન અંતર્ગત ચાલી રહેલી રી-સર્વે વાંધા નિકાલની કામગીરી પારદર્શી અને સચોટ રીતે થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા ગાંધીનગર તાલુકાના કોલવડા ખાતે રૂબરૂ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ એસ.એલ.આર. - સેટલમેન્ટ લેન્ડ રેકોર્ડ શ્રી ગાંધીનગર તથા આઈ.એલ.આર.- ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડશ્રી ગાંધીનગરની ઉપસ્થિતિમાં સ્થળ પર ચાલી રહેલી જમીન માપણી અને રી-સર્વે વાંધા નિકાલની પ્રત્યક્ષ કામગીરીનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું.

માપણી કામગીરીની સમીક્ષા કરતી વખતે કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓ અને ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરી કામગીરીને વધુ સુચારુ બનાવવા અગત્યનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે જ તેમણે ખેડૂતો અને જમીનધારકોના વાંધા-અરજીઓનું નિવારણ ગુણવત્તાસભર થાય અને સમગ્ર ભૂમિસીમાંકન પ્રક્રિયા નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ સાથે જરુરી સુચનાઓ આપી હતી.

