અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા જાબચિતરીયા ગ્રામ પંચાયત નજીકના તળાવની ગુજરાત સરકારના મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે તળાવ ની વર્તમાન સ્થિતિ, પાણીના સંગ્રહની ક્ષમતા તેમજ તળાવને લગતી વિવિધ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
મંત્રીશ્રીએ તળાવની સ્થળ પરની સ્થિતિનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી જળસંગ્રહ અને પાણીના યોગ્ય ઉપયોગ અંગે વિગતો મેળવી હતી. સાથે જ તળાવના વિકાસ અને જળ સંસાધનોના સુચારુ સંચાલન માટે જરૂરી બાબતોની સમીક્ષા કરી હતી.આ પ્રસંગે મંત્રીશ્રીએ અધિકારીઓને જરૂરી સૂચનો આપતાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ જળસંપત્તિનો મહત્તમ ઉપયોગ થાય, પાણીનો સંગ્રહ વધે અને જળસંસાધનોનું યોગ્ય આયોજન તથા સંચાલન થાય તે દિશામાં કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.તળાવો અને જળસંચયના માળખાં ગ્રામ્ય વિસ્તારની ખેતી, પશુપાલન અને ભૂગર્ભ જળસ્તર જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં હોવાથી તેના વિકાસ અને જાળવણી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

