અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ ખાતે તા. 19 અને 20 સપ્ટેમ્બર દરમિયાન રૂમેટોલોજી એસોસિએશન ગુજરાતના નેજા હેઠળ, માયોસાઈટિસ સોસાયટી ઓફ ઈન્ડિયાના સહયોગથી ત્રીજી રાષ્ટ્રીય માયોસાઇટિસ મિટિંગનું આયોજન થઈ રહ્યું છે. માયોસાઇટિસ અંગે સંશોધન, તબીબી પ્રગતિ અને દર્દીકેન્દ્રિત સારવારને કેન્દ્રમાં રાખીને યોજાઈ રહેલી આ રાષ્ટ્રીય બેઠકમાં ભારત તથા વિદેશના નિષ્ણાતો, સંશોધકો, રૂમેટોલોજિસ્ટ, તાલીમાર્થી તબીબો તેમજ દર્દીઓ અને તેમના પરિવારજનો ભાગ લઈ રહ્યા છે.

બેઠકમાં માયોસાઇટિસ બીમારીનું અણુસ્તરીય સંશોધન, બીમારીનું નિદાન, માયોપેથોલોજી, સ્નાયુઓની ઇમેજિંગ, રોગની સારવાર તેમજ નવી સારવાર પદ્ધતિઓ અંગે નિષ્ણાતો ચર્ચા કરી રહ્યા છે. રૂમેટોલોજી એસોસિએશન ગુજરાતના પ્રમુખ ડૉ. વિષ્ણુ શર્મા, સેક્રેટરી ડો અનુજ શુક્લા; માયો-આઈએન સોસાયટીના પ્રમુખ ડૉ. લિઝા રાજશેખર, ડૉ. વિનીતા શોભાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

જાહેરાતAdvertisement

AMCની આરોગ્ય સેવાઓ અને તબીબી શિક્ષણ ક્ષેત્રે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ તથા એસ.વી.પી. હોસ્પિટલનું મહત્વપૂર્ણ યોગદાન છે. આ આયોજનમાં બંને સંસ્થાઓના શૈક્ષણિક અને તબીબી યોગદાનને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એસ.વી.પી. હોસ્પિટલના રૂમેટોલોજી વિભાગના વડા ડૉ. સપન પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડી.એમ. રૂમેટોલોજીના વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ પણ આ રાષ્ટ્રીય શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે જોડાઈ રહ્યા છે.

બેઠક દરમિયાન વિશ્વ માયોસાઇટિસ દિવસની ઉજવણી સાથે “માયોસાઇટિસ મેટર્સ” સામયિકનું વિમોચન અને માયો-આઈએન રાષ્ટ્રીય રજિસ્ટ્રીનો પ્રારંભ કરવામાં આવશે. ઉપરાંત, “માયોસાઇટિસ સાથે વધુ સશક્ત જીવન” અંતર્ગત દર્દીઓ અને પરિવારજનો માટે વિશેષ સત્ર યોજાશે, જેમાં રૂમેટોલોજી, ન્યુરોલોજી, પલ્મોનોલોજી, સાઈકિયાટ્રી, ડાયેટ અને ફિઝિયોથેરાપીના નિષ્ણાતો માર્ગદર્શન આપશે.

આ રાષ્ટ્રીય બેઠકના માધ્યમથી AMCની તબીબી અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંશોધન, તબીબી તાલીમ અને દર્દીકેન્દ્રિત આરોગ્યસંભાળને પ્રોત્સાહન આપવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.