મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગણેશોત્સવના પર્વ પ્રસંગે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દક્ષિણી સોસાયટી ખાતે પહોંચીને વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરી હતી અને ભાવપૂર્વક આરતી ઉતારી રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
મણિનગરની દક્ષિણી સોસાયટીમાં વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા ગણેશોત્સવમાં મુખ્યમંત્રીશ્રીએ વિશેષ હાજરી આપી હતી. ગણેશ પંડાલમાં આગમન પર આયોજકો, સ્થાનિક અગ્રણીઓ અને રહિશો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના આગમન પ્રસંગે સમગ્ર દક્ષિણી સોસાયટી પરિસર 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

આ ધાર્મિક કાર્યક્રમમાં મેયર શ્રી હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયરશ્રી અંજુબેન શાહ, અગ્રણી પ્રેરક ભાઈ શાહ, સાંસદશ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્યશ્રી અમૂલ ભટ્ટ તથા હસમુખભાઈ પટેલ સહિત પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

