‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘મારા સ્વપ્નનું વિકસિત ભારત-૨૦૪૭’ થીમ આધારિત વિશાળ ચિત્ર પ્રદર્શનમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ૩૭૭ શાળાના ૬૮,૦૦૦થી વધુ બાળકોએ ૧૫ વિવિધ વિષયો પર ચિત્રો દોર્યા હતા.
પ્રદર્શનમાં બાળકોએ ખેલ મહાકુંભ, દીકરી શિક્ષણ, જળ સંરક્ષણ, સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, આયુષ્માન ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વંદે ભારત, ચંદ્રયાન, વાઇબ્રન્ટ ગુજરાત અને વસુધૈવ કુટુંબકમ સહિતની થીમ પર પોતાની કલ્પનાશક્તિ રજૂ કરી હતી.

માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રદર્શનમાં રજૂ થયેલા ૧,૧૫૦થી વધુ પસંદગીના ચિત્રો રસપૂર્વક નિહાળ્યા હતા અને બાળકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે બાળકોની સર્જનાત્મકતા અને મૌલિક પ્રતિભાને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ બાળચિત્રકારોને અભિનંદન પાઠવી તેમના ચિત્રો માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવાની વાત કરી હતી.
આ પ્રસંગે અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટ, મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની સહિત પદાધિકારીઓ, કાઉન્સિલરો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

