પેટ કેટ અને પેટ ડોગના રજીસ્ટ્રેશન ના વ્યાપક અભિયાન ને મળ્યો પ્રતિસાદ
પાલતુ ડોગ રજીસ્ટ્રેશન માં અમદાવાદમાં સૌથી વધુ નોંધાયેલા ડોગ બ્રીડમાં લેબ્રાડોર
·Wednesday, 5 August 2026 at 10:20 am

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં પાલતુ પ્રાણીઓના વ્યવસ્થિત સંચાલન, રેબીઝ નિયંત્રણ અને જવાબદાર પેટ પેરેન્ટિંગને પ્રોત્સાહન આપવા પાલતુ ડોગ અને પેટ કેટના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે હાથ ધરાયેલા અભિયાનને નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા, પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ–1960, Ministry of Fisheries, Animal Husbandry and Dairying દ્વારા જાહેર કરાયેલા Animal Birth Control (ABC) Rules–2023 તેમજ National Action Plan for Dog Mediated Rabies Elimination from India–2030 (NAPRE) અને ‘રેબીઝ ફ્રી અમદાવાદ’ અભિયાનની માર્ગદર્શિકા મુજબ શહેરમાં પાલતુ ડોગ અને કેટનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ભારતમાં સૌપ્રથમ વખત શરૂ કરાયેલું પાલતુ બિલાડીનું રજીસ્ટ્રેશન AMCનાં સી.એન.સી.ડી વિભાગ દ્વારા શરૂ કરાયું છે. જેમાં પાલતુ બિલાડી (પેટ કેટ) માટે 9 જુલાઈ, 2026થી 30 સપ્ટેમ્બર, 2026 સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં રજિસ્ટ્રેશન ફી રૂ. 200 નક્કી કરવામાં આવી છે અને અંદાજે 5,000 કેટના રજિસ્ટ્રેશનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન 149 પેટ ઓનર્સ દ્વારા કુલ 189 પેટ કેટનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. નોંધાયેલ બિલાડીઓમાં 72 નેટિવ અને 117 અન્ય બ્રીડની બિલાડીઓનો સમાવેશ થાય છે. ઝોનવાર નોંધણીમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 44, પશ્ચિમ ઝોનમાં 43, દક્ષિણ પશ્ચિમમાં 38, ઉત્તર ઝોનમાં 19, મધ્ય ઝોનમાં 18, પૂર્વ ઝોનમાં 17 અને દક્ષિણ ઝોનમાં 10 પેટ કેટનું રજિસ્ટ્રેશન નોંધાયું છે.
બીજી તરફ પાલતુ ડોગના રજિસ્ટ્રેશન માટે 1 જુલાઈ, 2026થી 30 સપ્ટેમ્બર, 2026 સુધી રૂ. 2,000 ફી સાથે નોંધણી ચાલી રહી છે. AMCના આંકડા મુજબ 1 જાન્યુઆરી, 2025થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન શહેરમાં કુલ 17,380 પેટ ઓનર્સ દ્વારા 19,746 પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આંકડાઓ મુજબ શરૂઆતમાં રૂ. 200 અને ત્યારબાદ રૂ. 500, રૂ. 1,000 તથા રૂ. 2,000ના વિવિધ તબક્કામાં ફી અમલમાં મૂકાઈ હતી. તેમ છતાં નોંધણી પ્રક્રિયામાં શહેરના નાગરિકોએ સતત ભાગ લીધો હોવાનું આંકડાઓ દર્શાવે છે.
રજિસ્ટ્રેશનના આંકડાઓમાં લેબ્રાડોર રિટ્રીવર સૌથી લોકપ્રિય બ્રીડ તરીકે સામે આવી છે, જેના 3,939 ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. ત્યારબાદ જર્મન શેફર્ડ (અલ્સેશિયન)ના 1,527, શિહ ત્ઝુના 1,497, ગોલ્ડન રિટ્રીવરના 1,416, પોમેરેનિયનના 1,138, અન્ય બ્રીડના 831, બીગલના 571, સાઇબેરિયન હસ્કીના 476, પગના 400 અને રોટવાઇલરના 356 ડોગનું રજિસ્ટ્રેશન નોંધાયું છે.
ઝોન પ્રમાણે ડોગ રજિસ્ટ્રેશનમાં પશ્ચિમ ઝોન 4,996 ડોગ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 4,101, પૂર્વ ઝોનમાં 2,855, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2,640, દક્ષિણ ઝોનમાં 2,372, ઉત્તર ઝોનમાં 2,003 અને મધ્ય ઝોનમાં 779 ડોગનું રજિસ્ટ્રેશન નોંધાયું છે. વિવિધ ઝોનમાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ, પોમેરેનિયન, સાઇબેરિયન હસ્કી, શિહ ત્ઝુ, પગ, ડોબરમેન અને ગોલ્ડન રિટ્રીવર જેવી બ્રીડનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
AMCએ પાલતુ પ્રાણીઓની નોંધણી માટે સંપૂર્ણ ઓનલાઈન વ્યવસ્થા ઉભી કરી છે. અરજદારે આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, ટેક્સ બિલ અથવા લાઇટ બિલ, અરજદારનો ફોટોગ્રાફ, પાલતુ પ્રાણીનો ફોટોગ્રાફ, પાલતુ પ્રાણી રાખવામાં આવે છે તે સ્થળનો ફોટોગ્રાફ, નોંધાયેલ વેટરનરી ડોક્ટર દ્વારા આપવામાં આવેલ વેક્સિન કાર્ડ તથા ભાડાના મકાનમાં રહેતા હોય તો ભાડા કરાર સહિતના જરૂરી દસ્તાવેજો સાથે https://ahmedabadcity.gov.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી નોંધણી કરાવવાની રહેશે. આ માટે QR કોડ તેમજ માર્ગદર્શન માટે વેટરનરી ડોક્ટરોના સંપર્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
પાલતુ પ્રાણીઓની ફરજિયાત નોંધણી અંગે વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચે તે માટે સી.એન.સી.ડી. વિભાગ દ્વારા વ્યાપક IEC અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ ગુજરાતી અને અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવામાં આવી છે. ઉપરાંત સ્માર્ટ સિટી અને રિવરફ્રન્ટના 126 જેટલા LED ડિસ્પ્લે પર જાહેરાતો અને વીડિયો પ્રસારિત કરવામાં આવ્યા છે. AMCના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિયમિત પ્રચાર કરવામાં આવ્યો છે. શહેરના વેટરનરી ડોક્ટરો, પેટ ક્લિનિક અને 22 જેટલા પેટ શોપ પર QR કોડ અને માહિતી સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રેડિયો દ્વારા પણ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જાહેર સ્થળો, ગાર્ડન, શાળાઓ, કોલેજો, ફ્લાવર શો સહિત વિવિધ સ્થળોએ સી.એન.સી.ડી.ની ટીમોએ સીધો સંપર્ક કરીને લોકોને નોંધણી માટે પ્રેરિત કર્યા હતા. ઉપરાંત પેટ પેરેન્ટિંગ અને પેટ એનિમલ ઓનર રિસ્પોન્સિબિલિટી વિષય પર ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 25થી વધુ પેટ ઓનર્સે ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
