ગાંધીનગર ખાતે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને રાજ્યમાં બનતા બાળકો વિરુધ્ધના ગુનાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
POCSO અને J.J. Act ના ભંગ બદલ સંસ્થાઓ-સંચાલકો સામે થશે કડક કાર્યવાહી: અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર
·Tuesday, 11 August 2026 at 01:48 pm

રાજ્યમાં બાળકો વિરુદ્ધ શારીરિક-માનસિક શોષણ, અત્યાચાર અને મારપીટ જેવા ગંભીર ગુનાઓ સામે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે લાલ આંખ કરી છે. બાળ અધિકારોના ગંભીર ઉલ્લંઘનના આ બનાવોને પગલે ગાંધીનગર ખાતે આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોક્સો (POCSO Act) અને જે.જે. એક્ટ (J.J. Act) હેઠળ જવાબદાર વ્યક્તિઓ તેમજ સંસ્થાઓ સામે કડકમાં કડક પગલાં લેવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, બાળકોના હકો અને અધિકારોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ દોષિતને બક્ષવામાં નહીં આવે અને તેમની સામે કાયદાકીય જોગવાઈઓ અનુસાર સખતમાં સખત પગલાં લેવા આયોગ કટિબદ્ધ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બાળકો પર થતા અત્યાચાર અને શોષણના કિસ્સામાં આયોગ દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. આ અંતર્ગત POCSO અને જે.જે. એક્ટ (Juvenile Justice Act)ના ભંગ બદલ જવાબદાર વ્યક્તિઓ, સંસ્થાના સંચાલકો કે ટ્રસ્ટીઓ સામે સુઓ-મોટો (Suo-Moto) સંજ્ઞાન લઈ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવા તેમણે ઉપસ્થિત અધિકારીઓને કડક આદેશ આપ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં આયોગના સચિવ શ્રી ડી.ડી. કાપડિયા સહિત આયોગના સભ્યશ્રીઓ શ્રીમતી વર્ષાબેન પટેલ, શ્રીમતી અમૃતાબેન અખિયા અને શ્રી કમલેશભાઈ રાઠોડ વિશેષ રૂપે હાજર રહ્યા હતા. આ ઉપરાંત આયોગના અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓએ પણ સહભાગી થઈને જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.
આ લેખ કેવો લાગ્યો?
શું આ લેખ તમને ઉપયોગી લાગ્યો? શેર કરો:
