રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ગુજરાત સ્ત્રી પ્રગતિ મંડળ સંચાલિત ઉત્થાન તાલીમ કેન્દ્ર – સ્કિલ ડેવલપમેન્ટ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસેબલ્ડ પર્સન્સ દ્વારા અમદાવાદના કોચરબ, પાલડી ખાતે રાખડીઓ તથા વિવિધ હસ્તકલા વસ્તુઓનું પ્રદર્શન–વેચાણ અને લાઇવ ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું.
ઉત્થાન તાલીમ કેન્દ્રના મનો દિવ્યાંગ ભાઈ-બહેનો દ્વારા પ્રેમ, મહેનત અને કૌશલ્યથી તૈયાર કરવામાં આવેલી સુંદર હસ્ત બનાવટની રાખડીઓ તથા વિવિધ હસ્તકલા વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. સાથે જ રાખડી તથા અન્ય હસ્તકલા વસ્તુઓ બનાવવાની લાઇવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા ઉપસ્થિત લોકોને દિવ્યાંગજનોની સર્જનાત્મકતા અને કૌશલ્યને નજીકથી નિહાળવાની તક મળી હતી.

આએ પ્રસંગે ગુજરાત સ્ત્રી પ્રગતિ મંડળ, ઉત્થાન પરિવાર, વિવિધ ક્ષેત્રના મહેમાનો, શુભેચ્છકો તથા મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદર્શન દરમિયાન મનો દિવ્યાંગ ભાઈ-બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. મુલાકાતીઓએ હસ્તકલા વસ્તુઓની ખરીદી કરી દિવ્યાંગજનોના કૌશલ્યને પ્રોત્સાહન આપ્યું હતું.
આ પહેલનો મુખ્ય હેતુ દિવ્યાંગજનોની ક્ષમતાને સમાજ સમક્ષ રજૂ કરી તેમને આત્મનિર્ભરતા, સ્વાવલંબન અને રોજગારની તકો તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમ દ્વારા સમાજમાં સમાવેશ, સમાનતા અને સશક્તિકરણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉત્થાન તાલીમ કેન્દ્રના તાલીમ કેન્દ્રના ટ્રસ્ટી ભાવનાબેન પંડ્યા એ જણાવ્યું હતું કે મનોદ દિવ્યાંગ બાળકોને રોજગારી મળી રહે તેમ જ તેઓને શારીરિક માનસિક અને આર્થિક રીતે પણ આત્મ નિર્ભર બનાવવા માટે સંસ્થા સતત સતત કાર્યરત છે

