અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વધુ એક વખત સાદગી અને આત્મીયતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નાના ઉભડા ગામે અનુસૂચિત જાતિ પરિવારના સવિતાબેન સોમાભાઈ પરમારના પરિવાર સાથે સાત્વિક રાત્રિ ભોજનનો આસ્વાદ માણ્યો હતો.

રાજ્યપાલશ્રીએ ખૂબ જ સહજતા સાથે પરિવારના તમામ સભ્યોની વડિલ સહજ ભાવથી પૃચ્છા કરી તેમની પરિસ્થિતિ જાણી હતી.

જાહેરાતAdvertisement

રાજ્યપાલશ્રીએ પરિવારના બાળકોને જીવનમાં શિક્ષણ અને સંસ્કારનું મહત્વ અંગે જણાવી તેઓ ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

રાજ્યપાલશ્રીએ સાત્વિક ભોજનમાં તુરિયાનું શાક, રોટલી અને ખીચડીનો આસ્વાદ માણ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નાના ઉભડા ગામના રહેવાસી સવિતાબેન સોમાભાઈ પરમારનો પરિવાર ખેત શ્રમિક સહિત અન્ય કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે રાજ્યપાલશ્રીનું અમારા ઘરે આગમન તેમજ અમારી સાથે કરેલા ભોજનનો પ્રસંગ અમારા પરિવારના સૌ લોકો માટે અવિસ્મરણીય બની રહ્યું છે.