ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન કોમર્શિયલ બિલ્ડિંગ ખાતે સર્જાયેલી દુર્ઘટનાની જાણ થતાં જ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પરિસ્થિતિની તાત્કાલિક માહિતી મેળવી હતી અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સહિત સંબંધિત આરોગ્ય તંત્રને ઇજાગ્રસ્તોની સારવાર માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર હેઠળ રહેલા ઇજાગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. તેમણે તબીબો અને હોસ્પિટલના અધિકારીઓ સાથે ચર્ચા કરી ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ અને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે મંત્રીશ્રીએ હોસ્પિટલમાં ઉપસ્થિત ઇજાગ્રસ્તોના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી તેમજ રાજ્ય સરકાર તેમની સાથે હોવાનું આશ્વાસન આપ્યું હતું.

જાહેરાતAdvertisement

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા તમામ જરૂરી તબીબી વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક અને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે નિષ્ણાત તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ જરૂરી દવાઓ અને સાધનોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દરેક વ્યક્તિને પ્રાથમિકતાના ધોરણે સારવાર આપવામાં આવે અને સારવાર દરમિયાન કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે.

રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ તથા અન્ય સંબંધિત એજન્સીઓ વચ્ચે સંકલન સાધી રાહત અને બચાવ કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે.

આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોના ઝડપી સ્વાસ્થ્યતા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.