વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (VUF) - યુવા સંગઠન દ્વારા દેશના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ તેમજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના પાવન અવસરે સમગ્ર ગુજરાતમાં એકતા અને માનવતાનો સંદેશ પ્રસરાવવાના હેતુથી ‘રક્ત તુલા મહાઅભિયાન’ અંતર્ગત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહાઅભિયાનના ભાગરૂપે તાજેતરમાં નડિયાદ, ઉમરેઠ અને વડોદરા ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકોમાં સમાજ તરફથી અભૂતપૂર્વ અને પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો છે. આ આયોજનને વેગ આપતાં વડોદરાની ટીમે ૧૦૦૮ બ્લડ બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. જ્યારે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વાઇસ ચેરમેન શ્રી અશ્વિનભાઈ તથા પૂર્વ વિસ્તાર યુવા સંગઠનની ટીમ દ્વારા પણ ૧૦૦૮ બ્લડ બોટલનું દાન રક્તદાન કેમ્પ થકી એકત્ર કરવાનો દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો છે.

જાહેરાતAdvertisement

આગામી તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ગુજરાતના પ્રત્યેક જિલ્લા અને તાલુકા મથકોએ આ મહા રક્તદાન કેમ્પ યોજાશે. દરેક વિસ્તારના ચોક્કસ સ્થળ અને સમય અંગેની જરૂરી વિગતો ટૂંક સમયમાં સંસ્થાના સત્તાવાર સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા માનવતાના આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા અને ‘રક્તદાન એ જ મહાદાન’ના સૂત્રને સાર્થક કરવા માટે વધુમાં વધુ રક્તદાતાઓને ઓનલાઇન લિંક (https://admin.vbn.vuf.org/f/TpMsZQff) મારફતે આગોતરું રજીસ્ટ્રેશન કરાવવા તેમજ આ સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે ભાવભરી અપીલ કરવામાં આવી છે.