સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરીના સંયુક્ત તત્વધાનમાં મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો

ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પ્લેસમેન્ટ સેલ દ્વારા ગાંધીનગર જીલ્લા રોજગાર કેન્દ્રના આર્થિક અને સંચાલનીય સહયોગથી આજે કોલેજ કેમ્પસ ખાતે સંસ્થાના ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું, કાર્યક્રમનું ઉદઘાટન સંસ્થાના કુલસચિવ ડૉ.એમ.ડી. પાંડેની અધ્યક્ષતામાં અને જીલ્લા રોજગાર અધિકારી નિશાંતભાઈ શુક્લની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, જોબ ફેરનો પ્રારંભ પ્રાર્થના અને સંસ્થાની પરંપરા અનુસાર પ્રકૃતિ તુલસી પૂજન દ્વારા કરવામાં આવ્યું, કોલેજના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેએ પોતાના સ્વાગત ઉદબોધનમાં જણાવ્યું કે આજના આ ૧૩૩માં દિગ્વિજય દિવસે સ્વામી વિવેકાનંદના જીવનમાંથી સંઘર્ષ ના સંદેશ સાથે સતત વિકાસ સાથે હકારાત્મક પ્રયત્ન કરતા રહેવું, હતાશાને ક્યારેય પોતાના પર હાવી થવા દેવી નહીં, પરમાત્મા હંમેશા આપણા સૌ માટે આપણા કરતા વધારે સારું અને યોગ્ય કરે છે માત્ર આપણે શ્રધ્ધા સાથે પ્રયત્ન કરવા જરૂરી છે, જીલ્લા રોજગાર અધિકારી નિશાંતભાઈ શુક્લએ જણાવ્યું કે સર્વ પ્રથમ આપનું ધ્યેય નક્કી કરી તે દિશામાં સતત પર્યત્નશીલ રહેવું, રાજ્ય અને કેન્દ્ર સરકારની રોજગાર અને સ્વરોજગાર દ્વારા રોજગાર પ્રાપ્તિ ઉપરાંત રોજગારદાતા બનવાની ઉત્તમ તક રહેલી છે, સતત અભ્યાસ કરતા રહેવું જરૂરી છે માત્ર સ્વપ્ન જોવાથી સિધ્ધિ નથી મળતી તે બાબત તેઓએ સુંદર સંસ્કૃત સુભાષિતોના ઉલ્લેખ દ્વારા કર્યો, વિસ્તારની અંદાજે ૨૦ ઉપરાંત સંસ્થાઓના ૧૬૦ જેટલા નોકરી ઇચ્છુકોને ૧૭ કંપનીઓની ૫૦૦ ઉપરાંત વેકેન્સી માટે સાક્ષાત્કાર થયો અને ઉમેદવારોને ઓફર લેટર આપવામાં આવ્યા, આ પ્રસંગે સી.એન.વી. ઇન્સ્પેક્ટર ડી.કે. પટેલ, પ્લેસમેન્ટ અધિકારી અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી નિર્મલભાઈ પટેલ, કોલેજના પ્લેસમેન્ટ સેલ સંયોજક ડૉ. મનીષા રબારી અને આઈ. ક્યુ.એ.સી. સંયોજક પ્રા. વૈભવ કોઠારીના સતત પ્રયત્નોથી કાર્યક્રમ અતિ સફળ રહ્યો.