અમદાવાદ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પુછાયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી, તેનું સત્વરે હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં શહેરી વિસ્તારના વિવિધ પ્રશ્નોમાં જનસેવા કેન્દ્ર, રેલવેને લગતા વિવિધ પ્રશ્નો, સૂચિત સોસાયટી, ટ્રાફિક, દબાણ, કાયદો અને વ્યવસ્થા, ગૌચરની જમીન, નવા સ્પોર્ટ્સ સંકુલનાં નિર્માણ માટે જગ્યાની ફાળવણી, ખાલી સરકારી જમીન પર વૃક્ષારોપણ, સ્મશાન માટે જમીન ફાળવણી, જૂની-નવી પોસ્ટ ઑફિસના પ્રશ્નો, ગૌચરની જમીન સહિતના પ્રશ્નોની ચર્ચા કરી હકારત્મક નિરાકરણ લવાયું હતું.

જાહેરાતAdvertisement

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મુનસર તળાવની સફાઈ, રોડ રિસરફેસિંગ, ગટર સફાઈ, નદીમાંથી કાંપ કાઢી તેને ઊંડી કરવી, વરસાદી પાણીનો નિકાલ, નર્મદા કેનાલના પીવાના તેમજ સિંચાઈના પાણીના પ્રશ્નો, થૂલેટા ડેમના પાળા અને દીવાલ બનાવવાની કામગીરી, નવા પોસ્ટલ પિનકોડ ફાળવવા, જાહેર આરોગ્યના પ્રશ્નો અને નવા મેડિકલ સ્ટાફની ફાળવણી, વીજળી, વન કવચની કામગીરી સહિતના વિવિધ પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓના પ્રશ્નોની ચર્ચા કરી ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી.

જિલ્લા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે સંકલનમાં પુછાયેલા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, ત્વરિત નિયમાનુસાર કાર્યવાહી થાય તે જરૂરી છે.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજિતસિંહ ગોહિલ, ધારાસભ્યો સર્વે હર્ષદ પટેલ, કૌશિક જૈન, અમિત ઠાકર, હસમુખ પટેલ, અમિત શાહ, દિનેશસિંહ કુશવાહ, શ્રીમતી પાયલ કુકરાણી, અમૂલ ભટ્ટ, હાર્દિક પટેલ, કિરીટસિંહ ડાભી, ઇમરાન ખેડાવાલા તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.