ચિન્મય મિશન અમદાવાદ દ્વારા આયોજિત ચિન્મય ગીતા ગાન સ્પર્ધા – શહેર કક્ષાની ફાઇનલનું પરમધામ ખાતે ભવ્ય અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 12 મા અધ્યાય ભક્તિ યોગ ના શ્લોકોની સ્પર્ધા હતી.

અમદાવાદની 50 જેટલી શાળાઓનાં 4000થી વધુ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

જાહેરાતAdvertisement

સ્પર્ધાના પ્રાથમિક તબક્કા પછી બે દિવસ દરમિયાન યોજાયેલી ફાઇનલમાં નર્સરીથી ધોરણ 4 સુધીના વિદ્યાર્થીઓ માટે A, B અને C કેટેગરી, જ્યારે ધોરણ 5થી 12ના વિદ્યાર્થીઓ માટે D, E અને F કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી. બાળકોએ ગીતાના 12મા અધ્યાયના શ્લોકોનું સુંદર, શુદ્ધ અને ભાવપૂર્ણ ગાન રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ભગવદ્ ગીતા પ્રત્યે રસ કેળવવા અને ગીતાના જીવનમૂલ્યોને જીવનમાં ઉતારવાની પ્રેરણા મળે તે હેતુથી યોજાયેલી આ સ્પર્ધાને વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો.

ફાઇનલ બાદ વિવિધ કેટેગરીમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા સાથે જ સ્પર્ધાના નિર્ણાયકોનું પણ સન્માન કરવામાં આવ્યું. સમગ્ર આયોજન દરમિયાન બાળકોમાં જોવા મળેલો ઉત્સાહ, શિસ્ત અને ગીતા પ્રત્યેનો ભાવ સૌ માટે પ્રેરણાદાયી રહ્યો.

ચિન્મય મિશન અમદાવાદનો આ પ્રયાસ માત્ર એક સ્પર્ધા પૂરતો સીમિત ન રહેતા, બાળકો સુધી ભગવદ્ ગીતાના જ્ઞાન અને સંસ્કારો પહોંચાડવાનો સુંદર ઉપક્રમ બની રહ્યો છે.