નવમા રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે, નાયબ બાગાયત નિયામકની કચેરી, અમદાવાદ દ્વારા શહેરની ગુજરાત કોલેજ, સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ–બાવળા તેમજ સદવિચાર પરિવાર સંસ્થા- અમદાવાદ ખાતે શહેરીજનો માટે એક દિવસીય વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના બાગાયત ક્ષેત્રે ઉત્સાહી શહેરીજનોએ ભાગ લીધો હતો. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારમાં રહેતા લોકોને ઘરઆંગણે બાગાયતી પ્રવૃત્તિઓ દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો હતો.
આ એક દિવસીય તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને માઇક્રોગ્રીન્સ બનાવવાની સરળ રીતો અને દૈનિક પોષણમાં તેના મહત્વ વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, સ્થાનિક અને મોસમી શાકભાજી તથા ફળોના ઉપયોગને પ્રોત્સાહન વિષય પર માહિતી આપેલ આ સિવાય શહેરી મર્યાદાઓને ધ્યાનમાં રાખીને બાલ્કની ગાર્ડન, ટેરેસ ગાર્ડનિંગ અને કિચન ગાર્ડન કેવી રીતે તૈયાર કરવું તે અંગે તકનીકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

તાલીમમાં કુંડા ભરવાની વૈજ્ઞાનિક રીતો, ઘરના સુશોભન માટે ઉપયોગી રોપાઓની જાળવણી તેમજ રસોડાના કચરામાંથી ઓર્ગેનિક ખાતર બનાવી તેનો બગીચામાં ઉપયોગ કરવાની પદ્ધતિઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાકભાજી બીજ તેમજ શાકભાજી ધરુનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે અમદાવાદના બાગાયત ખાતાના તાંત્રિક સ્ટાફે હાજર રહીને શહેરીજનોને શહેરી બાગાયત ખેતીના વિવિધ પાસાઓ અને સરકારની યોજનાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડી હતી. તેમજ ઘરની નાની જગ્યામાં પણ બાગાયત અપનાવીને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મેળવી શકે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેરીજનોએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો અને આ તાલીમ દ્વારા તેઓને સ્વનિર્ભરતા તેમજ પર્યાવરણ પ્રેમી જીવનશૈલી તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

